નાગપુરના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન; શિક્ષિત વિસ્તારોમાં 70-75% સામે ગુનેગાર વિસ્તારોમાં 92% મત મળ્યાનો દાવો
નાગપુર: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું વધુ એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના ચૂંટણી અનુભવ અંગે વાત કરતાં ગડકરીએ દાવો કર્યો હતો કે તેમને શિક્ષિત અને ભણેલા-ગણેલા લોકોના વિસ્તારો કરતાં અંડરવર્લ્ડ, ક્રિમિનલ અને રેડ લાઈટ વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારોમાંથી વધુ મત મળ્યા હતા.
ગડકરીએ જણાવ્યું કે શહેરના મોટા અને શિક્ષિત વિસ્તારોમાં તેમને આશરે 70થી 75 ટકા મત મળ્યા હતા, જ્યારે ક્રિમિનલ, અંડરવર્લ્ડ અને રેડ લાઈટ વિસ્તારોમાં તેમને આશરે 92 ટકા મત મળ્યા હતા. તેમના આ દાવા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
‘નાગપુરમાં 99% લોકો મારા સમર્થક’
ગડકરીએ હળવા અંદાજમાં કહ્યું હતું કે નાગપુરમાં અંડરવર્લ્ડ અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લગભગ 99 ટકા લોકો તેમના સમર્થક છે. જોકે, સાથે જ તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોઈ વ્યક્તિ તેમને સમર્થન આપે છે તેનો અર્થ એવો નથી કે તેઓ તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સમર્થન આપે છે.
તેમના જણાવ્યા મુજબ, આ વિસ્તારોમાં વિકાસકામો અને સામાજિક કાર્યો કરાવવાના કારણે ત્યાંના લોકોએ તેમને મત આપ્યો હતો.
‘મારા સંબંધોને ખોટા અર્થમાં ન લો’
ગડકરીએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે કોઈ વિસ્તારના લોકો સાથે સંપર્ક કે સંબંધ હોવાનો અર્થ તેમની પ્રવૃત્તિઓનું સમર્થન કરવાનો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિકાસના કામો અને લોકો સાથેના સંપર્કને કારણે તેમને વિવિધ વર્ગોમાંથી સમર્થન મળ્યું છે.
બેબાક નિવેદનો માટે જાણીતા ગડકરી ફરી ચર્ચામાં
નીતિન ગડકરી તેમના સ્પષ્ટવક્તા અને બેબાક નિવેદનો માટે જાણીતા છે. તેઓ અગાઉ પણ અનેક પ્રસંગોએ સરકાર, રાજકારણ અને પોતાના રાજકીય અનુભવ અંગે ખુલ્લેઆમ વાત કરી ચૂક્યા છે.
વિતેલા દિવસોમાં પણ ગડકરીએ એવું નિવેદન આપ્યું હતું કે તેઓ ઘણું કામ કરી ચૂક્યા છે અને હવે નવી પેઢીને તક મળવી જોઈએ. હવે નાગપુરમાં ચૂંટણીના મત અંગે કરેલા આ દાવાથી તેઓ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.









