રાજકોટ: શહેરમાં વિવાદિત જમીનના મામલાઓને લઈને પોલીસના નામે વચેટિયાગીરી થતી હોવાના આક્ષેપો વચ્ચે વધુ એક વિવાદ સામે આવ્યો છે. પોલીસ અફસર ગળચરના કથિત વચેટિયા તરીકે ઓળખાતા હર્ષિત જાનીનો જમીન મામલે પીડિત વ્યક્તિ સાથે ફોન પર ધમકીભર્યા સ્વરમાં વાત કરતો હોવાનો એક ઓડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. જોકે, વાયરલ ઓડિયોની સત્યતા તથા તેમાં થયેલી વાતચીતની સ્વતંત્ર પુષ્ટિ હજુ થઈ નથી.
રાજકોટમાં વિવાદિત જમીનના મામલાઓમાં પોલીસના નામનો ઉપયોગ કરીને પતાવટ કરાવવાના પ્રયાસો થવાના આક્ષેપો અગાઉ પણ સામે આવ્યા છે. આવા અનેક મામલાઓ ચર્ચામાં આવ્યા હોવા છતાં હવે વાયરલ થયેલા કથિત ઓડિયોએ ફરી પોલીસની કામગીરી અને કેટલાક વચેટિયાઓની ભૂમિકા અંગે સવાલો ઉભા કર્યા છે.
વાયરલ ઓડિયોમાં હર્ષિત જાની નામનો શખ્સ જમીન વિવાદના મામલે પીડિત સાથે વાતચીત કરી ધમકીભર્યા અંદાજમાં વાત કરતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ઓડિયોમાં પોલીસ સાથેના સંપર્કોનો હવાલો આપવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે. જેના કારણે આ વ્યક્તિ ખરેખર પોલીસ વતી કોઈ વચેટિયાની ભૂમિકા ભજવી રહ્યો હતો કે માત્ર પોતાની ઓળખ અને પ્રભાવનો ઉપયોગ કરી રહ્યો હતો તે મુદ્દે પણ સવાલો ઊભા થયા છે.
છેલ્લા કેટલાક સમયથી પોલીસ અફસર ગળચર પણ વિવિધ મામલાઓને લઈને વિવાદમાં રહ્યા હોવાની ચર્ચા વચ્ચે આ ઓડિયો સામે આવ્યો છે. બીજી તરફ હર્ષિત જાની અગાઉ કોંગ્રેસ સાથે સંકળાયેલો હતો અને હવે ભાજપમાં નજીકના વર્તુળોમાં જોવા મળતો હોવાની રાજકીય ચર્ચા પણ ચાલી રહી છે. જેના કારણે સમગ્ર મામલાને રાજકીય રંગ પણ મળ્યો છે.
હવે મુખ્ય સવાલ એ છે કે વાયરલ ઓડિયોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે કે નહીં? જો ઓડિયોમાં થયેલી વાતચીત સાચી સાબિત થાય અને પોલીસના નામનો ઉપયોગ કરીને જમીન પીડિતને ધમકી આપવામાં આવી હોવાનું બહાર આવે તો જવાબદાર લોકો સામે શું કાર્યવાહી થશે તે અંગે પોલીસ કમિશનરનું વલણ મહત્વનું બની રહેશે.
સાથે જ ભાજપના નેતાઓ અને સંગઠનનું આ સમગ્ર મામલે શું સ્ટેન્ડ રહેશે તેના પર પણ સૌની નજર છે. હાલ વાયરલ ઓડિયોને લઈને પોલીસ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. જો સત્તાવાર તપાસ શરૂ થાય તો ઓડિયોની સત્યતા, તેમાં સંકળાયેલા લોકોની ભૂમિકા અને પોલીસ સાથેના તેમના કથિત સંબંધો અંગે વધુ વિગતો બહાર આવી શકે છે.









