કોર્પોરેશનમાં પત્રકારો પર નજર રાખવા ‘સ્ટાફ વૉચ’ ગોઠવાયાની ચર્ચા

ટેન્ડર સહિતની કામગીરી અંગે પત્રકારોની બાજ નજર વચ્ચે તંત્રમાં નવી ચર્ચા : પત્રકારો સાથે માહિતી શેર નહીં કરવા ખાનગી સૂચના અપાયાનો આક્ષેપ

રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટરો અને અધિકારીઓની કામગીરી, ટેન્ડર પ્રક્રિયા સહિતની વિવિધ બાબતો પર પત્રકારો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને તંત્રની કામગીરીમાં ગેરરીતિ કે નબળી કામગીરી જણાય ત્યારે તેને ઉજાગર કરવામાં આવતા હોવાને કારણે હવે પત્રકારોની હિલચાલ પર નજર રાખવા માટે ‘સ્ટાફ વૉચ’ ગોઠવવામાં આવી હોવાની ચર્ચાએ ભારે ચકચાર જગાવી છે.

મળતી માહિતી મુજબ, પત્રકારો સાથે કોઈપણ પ્રકારની માહિતી શેર ન કરવા માટે સ્ટાફને ખાનગી રીતે સૂચના આપવામાં આવી હોવાની ચર્ચા છે. એટલું જ નહીં, મહાનગરપાલિકાની કઈ કચેરીમાં કયો પત્રકાર આવે છે, કયા કોર્પોરેટરને મળે છે, કયા અધિકારી કે કર્મચારી સાથે મુલાકાત કરે છે અને કઈ માહિતી અંગે ચર્ચા થાય છે તે બાબતો પર પણ નજર રાખવામાં આવતી હોવાની ચર્ચા છે.

તાજેતરમાં શાસક પક્ષ સાથે સંકળાયેલા કેટલાક મુદ્દાઓ, કાજુકતરી અને ભરતી પ્રક્રિયા સહિતના પ્રકરણો ચર્ચામાં આવ્યા બાદ આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરાઈ હોવાની અટકળો તેજ બની છે. જોકે, પત્રકારો સાથે માહિતીના આદાન-પ્રદાનને લઈને આવી કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી છે કે કેમ તે અંગે સ્પષ્ટતા સામે આવી નથી.

મતદારોનો મિજાજ જાણવા રાજકીય પક્ષો વિવિધ સ્ત્રોતોની મદદ લેતા હોય છે, તેવી જ રીતે હવે રાજકોટ મહાનગરપાલિકામાં પત્રકારોની કામગીરી અને તેમની મુલાકાતો પર નજર રાખવા માટે ‘સ્ટાફ વૉચ’ની વ્યવસ્થા ગોઠવાઈ હોવાની ચર્ચાએ અનેક સવાલો ઊભા કર્યા છે. આ સમગ્ર મામલે સેક્રેટરી શાખાની ભૂમિકા અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

પત્રકારોને મળતી માહિતીના સ્ત્રોત, કોર્પોરેશનમાં તેમની અવરજવર અને અધિકારીઓ-કોર્પોરેટરો સાથેની મુલાકાતો પર નજર રાખવામાં આવતી હોવાની ચર્ચા જો સાચી હોય તો તે પત્રકારત્વની સ્વતંત્રતા અને માહિતી મેળવવાના અધિકાર અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરી શકે છે.

હાલમાં આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ કોર્પોરેશનમાં ચાલી રહેલી ચર્ચાને પગલે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ વકરે અને શાસક પક્ષ તથા તંત્ર માટે નવી મુશ્કેલી ઊભી થાય તો નવાઈ નહીં.

Leave a Comment

Traffic Tail