રાજકોટમાં જમીન વિવાદે પોલીસની આબરૂ ફરી છાપરે ચડાવી; પોલીસ અધિકારી અને અન્ય કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો બાદ વધુ એક પરિવારે ખોલ્યું મોરચો
રાજકોટ: રાજકોટમાં જમીનના વિવાદિત મામલાઓને લઈને પોલીસની ભૂમિકા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ભાજપ સાથે જોડાયેલા અગ્રણી કિશોરભાઈ બાબીયાએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી પોલીસ અધિકારી અશ્વિન ગળચર સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે આક્ષેપો રજૂ કર્યા બાદ હવે ડોબરીયા પરિવારે પણ હિંમત કરીને પોલીસ અને કથિત વચેટિયાઓની કામગીરી અંગે મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા છે.
ફરિયાદો અને આક્ષેપોની આ કડી સામે આવતા રાજકોટના જમીન વિવાદોના જૂના પ્રકરણો પણ ફરી ચર્ચામાં આવવા લાગ્યા છે. ખાસ કરીને મુંજકા વિસ્તારમાં કિંમતી જમીનને લઈને અગાઉ સામે આવેલા વિવાદો હવે ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. જાણે એક પછી એક પરિવારો સામે આવીને પોતાની વ્યથા રજૂ કરી રહ્યા હોય તેમ સમગ્ર મામલો વધુ ગંભીર બનતો જાય છે.
ફરિયાદી પક્ષના આક્ષેપો મુજબ, જમીનના વિવાદોને પતાવવાના નામે પોલીસ તંત્ર સાથે સંકળાયેલા કેટલાક લોકો અને કથિત વચેટિયાઓની ભૂમિકા અંગે સવાલો ઊભા થયા છે. જો આ આક્ષેપોમાં તથ્ય હોય તો જમીનના મામલાઓમાં પોલીસની ભૂમિકા શું હતી અને કોના ઈશારે સમગ્ર પ્રક્રિયા આગળ વધતી હતી તે તપાસનો વિષય બને છે.
કિશોરભાઈ બાબીયાની ફરિયાદ બાદ હવે ડોબરીયા પરિવારે પણ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં પોલીસ તંત્ર સામેના આક્ષેપો વધુ ગંભીર બન્યા છે. એક ફરિયાદ સુધી સીમિત રહેલો મુદ્દો હવે અનેક સવાલો સાથે ચર્ચામાં આવી રહ્યો છે.
સૌથી મોટો સવાલ એ છે કે જમીનની ‘ગોબરી’ મેટરમાં કોને કેટલો ફાયદો થયો? કથિત વચેટિયાઓની ભૂમિકા શું હતી? પોલીસ અધિકારીઓ સુધી આ મામલો કેવી રીતે પહોંચ્યો? અને જો કોઈએ સત્તા કે પોલીસની ઓળખનો ઉપયોગ કરીને જમીનના વિવાદમાં દબાણ ઊભું કર્યું હોય તો તેની પાછળ કોણ હતું?
રાજકોટમાં જમીનના વિવાદોમાં પોલીસની ભૂમિકા અંગે અગાઉ પણ સવાલો ઉઠતા રહ્યા છે. તાજેતરમાં PSI અશ્વિન ગળચર સામે વધુ એક પરિવાર દ્વારા ગંભીર ફરિયાદ કરાઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
હવે એક પછી એક ફરિયાદો અને આક્ષેપો સામે આવતા પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે અને સંબંધિત પોલીસ અધિકારીઓનો પક્ષ પણ એટલો જ મહત્વનો રહેશે.
આ સમગ્ર મામલે હવે સૌની નજર પોલીસ કમિશનર કચેરીની કાર્યવાહી પર છે. પોલીસની છબીને લાગેલા આક્ષેપોના દાગ ધોવા માટે શું તપાસ થશે? જવાબદારો સામે શું પગલાં લેવાશે? અને સમગ્ર જમીન કાંડની પાછળ ખરેખર કેટલા લોકોના ‘ગાળિયા’ થયા છે? તે જોવું મહત્વપૂર્ણ રહેશે.









