આંધ્રપ્રદેશમાં ખાનગી બસ અને ઓટો-રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત : 7નાં મોત, 8 ઘાયલ

આંધ્રપ્રદેશમાં વહેલી સવારે ખાનગી બસ અને ઓટો-રિક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા મુજબ, વિજયવાડાથી તિરુપતિ જઈ રહેલી ખાનગી બસે ઓટો-રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સમયે ઓટો-રિક્ષામાં કુલ 15 લોકો સવાર હતા. બસની ટક્કર બાદ 7 લોકોનાં મોત થયા હતા, જ્યારે અન્ય 8 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્મતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોની મદદથી ઘાયલોને ઓટોમાંથી બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ કરુણ અકસ્માત અંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

Traffic Tail