પીપળીયાની જમીન મામલે પોલીસ અધિકારીનું નામ ચર્ચામાં, મુંજકાની જૂની જમીન વિવાદની ભૂમિકા પર પણ સવાલ

રાજકોટના પીપળીયા વિસ્તારમાં જમીન મામલે અરજી કરનાર અરજદારને પોલીસનો રોફ બતાવી ધાક-ધમકી આપવાના આક્ષેપો વચ્ચે એક પોલીસ અધિકારીનું નામ ચર્ચામાં આવ્યું છે. સમગ્ર મામલે એક વચેટિયાનું નામ પણ સામે આવ્યું હોવાની ચર્ચા છે. ભાજપના એક આગેવાનના ઈશારે પોલીસ અધિકારી દ્વારા કથિત રીતે કાવતરું રચવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે મામલો વધુ ગરમાયો છે.

પીપળીયાની જમીન મામલે અરજદારને દબાણમાં લેવા માટે પોલીસ તંત્રના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ચર્ચા વચ્ચે હવે આ પોલીસ અધિકારીની ભૂતકાળની ભૂમિકાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ખાસ કરીને મુંજકાની વિવાદિત જમીન મામલે પણ આ જ પોલીસ અધિકારીની કથિત ભૂંડી ભૂમિકા રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ચર્ચા મુજબ, મુંજકાની જમીનના વિવાદમાં એક રાજકીય કાર્યકર્તાને ઓન ધ સ્પોટ ગોંધી રાખી સેટલમેન્ટ કરાવવામાં આવ્યું હોવાના આક્ષેપો અગાઉ પણ થયા હતા. હવે પીપળીયાની જમીન મામલે ફરી પોલીસ અધિકારીનું નામ સામે આવતા બંને મામલા વચ્ચે કોઈ કડી છે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

હાલ પીપળીયાની જમીન મામલે પોલીસ અધિકારી, વચેટિયા અને રાજકીય આગેવાન વચ્ચેની કથિત ભૂમિકાઓ અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય તો હકીકતમાં કોના ઈશારે શું કાર્યવાહી થઈ હતી અને અરજદાર પર કોઈ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું કે નહીં તે સ્પષ્ટ થઈ શકે છે.

Leave a Comment

Traffic Tail