સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ટેરી ગામ નજીક આજે ભીષણ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે પાછળથી આવેલા ટ્રકે આગળ જઈ રહેલી બસને જોરદાર ટક્કર મારતાં બસમાં સવાર 3 યાત્રીઓનાં મોત થયા હતા, જ્યારે 11 યાત્રીઓ ઘાયલ થયા છે.
ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસ અને સ્થાનિક લોકોએ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતમાં ત્રણ યાત્રીઓનાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘાયલ 11 મુસાફરોની સારવાર ચાલી રહી છે.
પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક રીતે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રકની બસ સાથે થયેલી ટક્કરને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.









