બાળકોના હિતમાં મેટાનો મોટો નિર્ણય : રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Instagram-Facebook પર પ્રતિબંધની ટ્રાયલ

સોશિયલ મીડિયા પર બાળકોનો વધતો જતો ઉપયોગ અને સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે મેટાએ મોટો નિર્ણય લીધો છે. કંપની દ્વારા Instagram અને Facebook માટે રાત્રિના સમયે ઍક્સેસ મર્યાદિત કરવાની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બાળકો માટે બંને પ્લેટફોર્મનો ઉપયોગ બંધ અથવા મર્યાદિત કરવામાં આવશે.

આ નિર્ણયનો મુખ્ય હેતુ બાળકોને મોડી રાત સુધી સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા અટકાવવાનો અને તેમની ઊંઘ તથા દૈનિક જીવનશૈલી પર સોશિયલ મીડિયાની અસર ઘટાડવાનો છે. આ ઉપરાંત રાત્રિના સમયે તેમજ શાળાના સમય દરમિયાન નોટિફિકેશનની સંખ્યા ઘટાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

મેટા દ્વારા સગીર યુઝર્સ માટે સોશિયલ મીડિયા અનુભવમાં વધુ ફેરફારો કરવાની તૈયારી છે. બાળકોની પોસ્ટ પર લાઈક અને રિએક્શનની સંખ્યા છુપાવવી, કેટલાક કોસ્મેટિક સર્જરી ફિલ્ટર્સ પર પ્રતિબંધ મૂકવો અને સગીરોની સુરક્ષા માટે એજ-એશ્યોરન્સ સિસ્ટમ તથા પેરેન્ટલ કંટ્રોલને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ પગલાં લેવાઈ રહ્યાં છે.

કંપની દ્વારા ઈન્ફિનિટ સ્ક્રોલ જેવા ફીચર્સને પણ મર્યાદિત કરવાની દિશામાં વિચાર કરવામાં આવી રહ્યો છે, જેથી બાળકો સતત સોશિયલ મીડિયા પર સમય પસાર ન કરે. મેટાનો આ અભિગમ સોશિયલ મીડિયા પર બાળકોની સુરક્ષા અને ડિજિટલ વેલનેસને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

હાલમાં આ સુવિધાઓની ટ્રાયલ ચાલી રહી છે અને તેની અસર તથા પરિણામોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. જો આ વ્યવસ્થા વ્યાપક રીતે લાગુ કરવામાં આવશે તો બાળકોના રાત્રિના સોશિયલ મીડિયા ઉપયોગ અને સ્ક્રીન ટાઈમમાં ઘટાડો લાવવાનો પ્રયાસ થશે.

Leave a Comment

Traffic Tail