કિરાના હિલ્સ પર ભારતનો હુમલો ઈરાદાપૂર્વક નહોતો : પૂર્વ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો

પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર અંગે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે પાકિસ્તાનના કિરાના હિલ્સ વિસ્તારમાં ભારત તરફથી કોઈ ઈરાદાપૂર્વક હુમલો કરવામાં આવ્યો નહોતો. તેમના જણાવ્યા અનુસાર સરગોધા એરબેઝની આસપાસ રડાર શોધવા માટે મોકલવામાં આવેલા લોઇટરિંગ મ્યુનિશનમાંથી કોઈ એક નિર્ધારિત લક્ષ્ય ન મળતાં તેની ઓપરેશનલ મર્યાદા પૂરી થયા બાદ કિરાના હિલ્સ વિસ્તારમાં ત્રાટક્યું હોવાની શક્યતા છે. કિરાના હિલ્સ સરગોધાથી આશરે 10 કિલોમીટર દૂર છે અને આ વિસ્તાર પાકિસ્તાનના પરમાણુ માળખા સાથે જોડાયેલો માનવામાં આવે છે.

જનરલ ચૌહાણે જણાવ્યું હતું કે સરગોધા વિસ્તારમાં રડારને નિશાન બનાવવા માટે અનેક લોઇટરિંગ મ્યુનિશન મોકલવામાં આવ્યા હતા. આવા હથિયારો ચોક્કસ સમય સુધી લક્ષ્યની શોધ કરતા રહે છે અને લક્ષ્ય ન મળે તો તેમની કામગીરીની સમયમર્યાદા પૂરી થયા બાદ નીચે ત્રાટકી શકે છે. આ કારણે કિરાના હિલ્સ વિસ્તારમાં થયેલી અસરને ઈરાદાપૂર્વકનો હુમલો ગણવો યોગ્ય નથી.

સરગોધા બાદ સ્કાર્દુ પણ નિશાન પર હતું

ચૌહાણે ઓપરેશન સિંદૂર દરમિયાન અન્ય એક મહત્વપૂર્ણ માહિતી પણ આપી હતી. પાકિસ્તાન સાથે વાતચીતની પ્રક્રિયા શરૂ થયા બાદ ભારતીય વાયુસેનાએ સરગોધા પર હુમલો કરવાની તૈયારી કરી હતી અને ત્યારબાદ વધુ બે લક્ષ્યો નક્કી કરવા જણાવાયું હતું. તેમાં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આવેલું સ્કાર્દુ એરબેઝ પણ સામેલ હતું. જોકે ખરાબ હવામાનને કારણે સ્કાર્દુ પર હુમલાની યોજના બદલવી પડી અને બાદમાં ભોલારીને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું.

આ ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ લક્ષ્યો પસંદ કરતી વખતે પરિસ્થિતિ અને જોખમનું સતત મૂલ્યાંકન કર્યું હતું, જ્યારે કિરાના હિલ્સ અંગે અગાઉથી ચાલી રહેલી અટકળોને પણ ચૌહાણના નિવેદનથી નવી સ્પષ્ટતા મળી છે.

Leave a Comment

Traffic Tail