રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના આંકડા મુજબ ભારતમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જુલાઈ મહિનામાં દેશમાં કુલ 12.6 લાખ નવા નેટ ક્રેડિટ કાર્ડ ઉમેરાયા હતા, જે જૂનની સરખામણીએ 11.5 ટકા વધુ છે. આ સાથે દેશમાં સક્રિય ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા વધીને 12.29 કરોડ થઈ ગઈ છે, જે વાર્ષિક ધોરણે 9.9 ટકાનો વધારો દર્શાવે છે.
જુલાઈ દરમિયાન ક્રેડિટ કાર્ડ મારફતે કુલ રૂ.2.08 લાખ કરોડનો ખર્ચ થયો હતો. વાર્ષિક ધોરણે તેમાં 7.4 ટકા અને માસિક ધોરણે 3.4 ટકાનો વધારો નોંધાયો છે. જોકે, ખર્ચ કરતાં ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધુ મોટો એટલે કે 24.5 ટકાનો ઉછાળો આવ્યો છે. પરિણામે એક ટ્રાન્ઝેક્શનની સરેરાશ રકમ રૂ.3,987થી ઘટીને રૂ.3,440 થઈ છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ગ્રાહકો હવે મોટી ખરીદી ઉપરાંત રોજિંદા નાના ખર્ચ માટે પણ ક્રેડિટ કાર્ડનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.
નવા કાર્ડ જારી કરવામાં HDFC બેંક સૌથી આગળ રહી છે. બેંકે જુલાઈમાં 2,30,067 નવા ક્રેડિટ કાર્ડ ઉમેર્યા હતા. ત્યારબાદ SBI કાર્ડે 1,83,076 અને ICICI બેંકે 1,70,156 નવા કાર્ડ ઉમેર્યા હતા. ફેડરલ બેંકે 1,08,492, IDFC ફર્સ્ટ બેંકે 82,723, એક્સિસ બેંકે 70,091 અને કોટક મહિન્દ્રા બેંકે 64,617 નવા કાર્ડ જારી કર્યા હતા. બીજી તરફ ઇન્ડસઇન્ડ બેંકના ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોમાં 9,397 કાર્ડનો ઘટાડો નોંધાયો હતો.
છેલ્લા એક વર્ષના આંકડા પ્રમાણે પણ HDFC બેંકનો દબદબો યથાવત રહ્યો છે. તેણે એક વર્ષમાં આશરે 21 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઉમેર્યા છે. ત્યારબાદ ICICI બેંકે 16.4 લાખ અને SBI કાર્ડે 15 લાખ નવા કાર્ડ ઉમેર્યા છે. ફેડરલ બેંક, એક્સિસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકે પણ નોંધપાત્ર સંખ્યામાં નવા કાર્ડ ઉમેર્યા છે.
બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતોના મતે, ગ્રાહકોમાં ક્રેડિટ કાર્ડની માંગ સતત મજબૂત બની રહી છે. ક્રેડિટ કાર્ડ મારફતે થતો માસિક ખર્ચ રૂ.2 લાખ કરોડથી ઉપર જળવાઈ રહ્યો છે, જે દેશમાં ડિજિટલ પેમેન્ટના વધતા વલણને દર્શાવે છે. ખાસ કરીને સરકારી બેંકોના ક્રેડિટ કાર્ડ ખર્ચમાં વાર્ષિક ધોરણે 22 ટકાનો વધારો નોંધાયો છે.









