ફડણવીસને સ્થાન મળવાની ચર્ચા તેજ, યોગી-હિમંતા-સુવેન્દુના નામ પણ રેસમાં
નવી દિલ્હી: ભાજપના નવા સંગઠન માળખાની રચના પૂર્ણ થયા બાદ હવે પક્ષની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા ગણાતા સંસદીય બોર્ડના પુનઃગઠનને લઈને ચર્ચા તેજ બની છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ નવા સંસદીય બોર્ડની જાહેરાત આગામી તા.30 ઓગસ્ટની આસપાસ થઈ શકે છે. નવા માળખામાં રાજ્યોના મુખ્યમંત્રીઓને અગાઉની સરખામણીએ વધુ પ્રતિનિધિત્વ મળે તેવી શક્યતા છે.
ભાજપનું સંસદીય બોર્ડ કુલ 12 સભ્યોનું હોય છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ, વડાપ્રધાન, ગૃહમંત્રી અને સંગઠન મહામંત્રી સહિતના ટોચના નેતાઓને તેમાં મહત્વનું સ્થાન મળે છે. હાલમાં રાજનાથસિંહ સહિતના કેટલાક વરિષ્ઠ નેતાઓ બોર્ડમાં છે, પરંતુ સંગઠનમાં થયેલા ફેરફારો બાદ હવે આ મહત્વપૂર્ણ બોડીમાં પણ ફેરફાર થવાની સંભાવના છે.
ફડણવીસનું નામ સૌથી આગળ
નવા સંસદીય બોર્ડમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સ્થાન મળવાની શક્યતા સૌથી વધુ ચર્ચામાં છે. મહારાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરવામાં તેમની ભૂમિકા ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે પણ તેઓ પક્ષના મહત્વપૂર્ણ નેતા તરીકે ઉભરી આવ્યા છે. જેના કારણે તેમને સંસદીય બોર્ડમાં સામેલ કરીને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ફડણવીસને બોર્ડમાં સ્થાન આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી પણ અનુકૂળ અભિપ્રાય હોવાનું માનવામાં આવે છે. જોકે, અંતિમ નિર્ણય ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ કરશે.
યોગી અને હિમંતા સહિતના નામ ચર્ચામાં
ફડણવીસ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નામ પણ સંભવિત સભ્યો તરીકે ચર્ચાઈ રહ્યા છે.
જો આ નેતાઓમાંથી કેટલાકનો સમાવેશ થાય તો ભાજપના સંસદીય બોર્ડમાં રાજ્યોના મુખ્યમંત્રીઓનું વજન નોંધપાત્ર રીતે વધશે. ખાસ કરીને હિમંતા બિસ્વા સરમા અને સુવેન્દુ અધિકારી અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા બાદ ભાજપમાં આવ્યા છે અને બાદમાં મુખ્યમંત્રી બન્યા છે. તેમને પક્ષની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થામાં સ્થાન મળવું રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવશે.
જે.પી. નડ્ડાની બાદબાકી થવાની શક્યતા
નવા સંસદીય બોર્ડમાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને સ્થાન નહીં મળે તેવી પણ અટકળો છે. બીજી તરફ દક્ષિણ ભારતમાંથી ભાજપના એક નેતાને બોર્ડમાં સામેલ કરીને પ્રાદેશિક સંતુલન જાળવવાનો પ્રયાસ થઈ શકે છે.
સંસદીય બોર્ડમાં ફડણવીસને સામેલ કરવામાં આવે તો તેઓ મહારાષ્ટ્રની બહાર પણ ભાજપની રાષ્ટ્રીય નિર્ણય પ્રક્રિયામાં વધુ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે. બીજી તરફ યોગી આદિત્યનાથને સ્થાન મળે તો ઉત્તર પ્રદેશના રાજકીય મહત્વને ધ્યાનમાં રાખીને તે પણ મોટો સંદેશ ગણાશે.
મોદી પણ મુખ્યમંત્રી તરીકે બોર્ડમાં રહી ચૂક્યા
ભાજપના સંસદીય બોર્ડમાં મુખ્યમંત્રીને સ્થાન આપવાની પરંપરાનું ઉદાહરણ નરેન્દ્ર મોદીના કિસ્સામાં પણ જોવા મળે છે. વર્ષ 2006માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સંસદીય બોર્ડમાં સામેલ થયા હતા. બાદમાં રાજનાથસિંહે તેમનું સ્થાન લીધું હતું. ત્યારબાદ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ આગળ આવ્યા પછી તેઓ ફરીથી સંસદીય બોર્ડમાં આવ્યા હતા.
હવે નવા સંગઠન બાદ ભાજપના સંસદીય બોર્ડમાં કોને સ્થાન મળે છે તેના પર રાજકીય વર્તુળોની નજર છે. ફડણવીસનું નામ હાલ સૌથી મજબૂત ગણાઈ રહ્યું છે, જ્યારે યોગી, હિમંતા અને સુવેન્દુના સમાવેશથી બોર્ડનું રાજકીય સંતુલન પણ બદલાઈ શકે છે. આગામી તા.30 ઓગસ્ટ આસપાસ આ અંગે અંતિમ ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે.









