અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને આશરે 2 લાખ વિદેશી નાગરિકોના B1 અને B2 વીઝા રદ કરવાની તૈયારી શરૂ કરી છે. જો આ યોજના કાયદાકીય પડકાર કે અન્ય કોઈ ફેરફાર વિના અમલમાં આવશે તો અમેરિકાના ઈતિહાસમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં વીઝા રદ કરવાનો આ સૌથી મોટો કિસ્સો બની શકે છે.
આ કાર્યવાહી એવા વિદેશીઓ સામે કરવામાં આવશે, જેઓ 2016થી 2026 દરમિયાન B1 (બિઝનેસ) અથવા B2 (ટૂરિઝમ) વીઝા પર અમેરિકા પહોંચ્યા હતા અને ત્યારબાદ દેશમાં રહેવા માટે શરણ એટલે કે Asylum માટે અરજી કરી છે અથવા પ્રક્રિયામાં છે. અમેરિકી વિદેશ વિભાગ, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ સાથે મળીને આવા લોકોની ઓળખ કરી રહ્યું છે.
અમેરિકી સરકારનું કહેવું છે કે B1-B2 વીઝા ટૂંકા ગાળાની બિઝનેસ અથવા પ્રવાસી મુલાકાત માટે આપવામાં આવે છે. સરકાર એવા લોકોના વીઝા રદ કરવાની પ્રક્રિયા કરી રહી છે, જેઓ ટૂંકા ગાળાના મુલાકાતી તરીકે અમેરિકા આવ્યા બાદ કાયમી રહેવા માટે Asylumની અરજી કરે છે. સત્તાવાર રીતે વીઝા રદ કરનાર લોકોની ચોક્કસ સંખ્યા હજુ જાહેર કરવામાં આવી નથી, જોકે APના અહેવાલ મુજબ આ સંખ્યા 2 લાખ સુધી હોઈ શકે છે.
મહત્વની વાત એ છે કે વીઝા રદ થવાનો અર્થ તાત્કાલિક ડિપોર્ટેશન નથી. જે લોકોના Asylum કેસ હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે, તેઓ પોતાની કાનૂની પ્રક્રિયા આગળ વધારી શકશે. જોકે તેમનું B1-B2 બિઝનેસ અથવા ટૂરિઝમ વીઝા સ્ટેટસ સમાપ્ત થઈ જશે.
આ કાર્યવાહી ટ્રમ્પ સરકારની કડક ઇમિગ્રેશન નીતિનો વધુ એક ભાગ માનવામાં આવી રહી છે. વિદેશ વિભાગ આગામી અઠવાડિયાઓમાં આ અંગે વધુ સત્તાવાર માહિતી જાહેર કરે તેવી શક્યતા છે. જો યોજના સંપૂર્ણપણે અમલમાં આવે તો અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી એકસાથે વીઝા રદ કરવાની કાર્યવાહી બની શકે છે.









