ધોધમાર વરસાદથી રસ્તાઓ બન્યા નદી, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ : એરપોર્ટ પર પણ ભારે અસર
નવી દિલ્હી: દિલ્હી-NCRમાં આજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. સવારે 11 વાગ્યા બાદ આકાશમાં ઘેરા કાળા વાદળો છવાતા બપોરના સમયે જ અંધારું છવાઈ ગયું હતું. ત્યારબાદ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો.
ખરાબ વિઝિબિલિટીએ ફ્લાઈટ સેવા ખોરવી
ભારે વરસાદના કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી. પરિણામે લેન્ડિંગમાં મુશ્કેલી સર્જાતા 12 જેટલી ફ્લાઈટ્સને જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. અસરગ્રસ્ત ફ્લાઈટ્સમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસજેટની ફ્લાઈટ્સનો સમાવેશ થતો હતો.
દિલ્હીના રસ્તાઓ પર જળબંબાકાર
ધોધમાર વરસાદથી દિલ્હી અને નોઈડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. મથુરા રોડ, સંગમ વિહાર, ITO અને કનોટ પ્લેસ જેવા વ્યસ્ત વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર પર ભારે અસર પડી હતી.
અનેક મુખ્ય રસ્તાઓ પર લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા. ઓફિસથી પરત ફરતા લોકો તેમજ એરપોર્ટ તરફ જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
લો-પ્રેશર સિસ્ટમથી વરસાદી માહોલ
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ તરફ સક્રિય લો-પ્રેશર સિસ્ટમ અને બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે દિલ્હી-NCRમાં ભારે વરસાદ થયો છે.
વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારાથી પરેશાન લોકોને રાહત મળી છે. વરસાદ બાદ દિલ્હીની હવાની ગુણવત્તામાં પણ સુધારો થવાની આશા છે.









