બનાસકાંઠા રેન્જની ફિલ્મી કાર્યવાહી : 2,324 બોટલ દારૂ-બિયર સાથે રૂ.13.16 લાખનો મુદ્દામાલ કબજે
બનાસકાંઠા રેન્જ પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. બેવટા-કેસરગામ હાઇવે પર પોલીસને જોઈ ઈનોવા કાર પૂરઝડપે ભગાવવામાં આવી હતી. પોલીસે ખાનગી વાહનથી તેનો પીછો કરતાં આખરે કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. કારની તપાસમાં વિદેશી દારૂ અને બિયરની કુલ 2,324 બોટલો મળી આવી હતી.
રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડની સૂચનાથી સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઈનોવા કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેવટાથી કેસરગામ જતા હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી.
રોકવાનો ઈશારો કર્યો, પરંતુ કાર રોકાઈ નહીં
વોચ દરમિયાન સિલ્વર કલરની ઈનોવા કાર આવતી દેખાતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ પોલીસને જોઈને ચાલકે ગાડી રોકવાને બદલે પૂરઝડપે દોડાવી મૂકી હતી.
પોલીસે તાત્કાલિક ખાનગી વાહનથી ઈનોવાનો પીછો શરૂ કર્યો હતો. બેવટાથી કેસરગામ થઈ પેપળ-લોઢનોર તરફ પહોંચેલી ઈનોવા અંતે રોડની સાઈડમાં મૂકી દેવાઈ હતી.
અંધારાનો લાભ લઈ બે શખ્સો ફરાર
પોલીસ નજીક પહોંચે તે પહેલાં જ કારચાલક અને તેનો સાથીદાર અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે ઈનોવા કારને કબજામાં લઈ તેની તલાશી લીધી હતી.
તપાસ દરમિયાન કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 2,324 બોટલો મળી આવી હતી.
રૂ.3.06 લાખનો દારૂ, કાર સહિત રૂ.13.16 લાખનો મુદ્દામાલ
પોલીસે જપ્ત કરેલા દારૂ-બિયરની કિંમત રૂ.3.06 લાખ આંકી છે. ઈનોવા કાર સહિત કુલ રૂ.13.16 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
કબજે કરાયેલી ઈનોવાનો નંબર MH-02-FE-9717 હોવાનું સામે આવ્યું છે. ફરાર બંને શખ્સોની શોધખોળ શરૂ કરી પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.









