ઇમરાન ખાનની સારવાર માટે ક્રિકેટ જગત એકજૂટ

ગાવસ્કર-કપિલ સહિત 21 ભૂતપૂર્વ કેપ્ટનોની પાકિસ્તાન સરકારને અપીલ : જેલમાં યોગ્ય સારવાર અને અંગત ડોક્ટરથી તપાસ કરાવો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનની જેલમાં કથળતી તબિયતને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ચિંતા જોવા મળી રહી છે. ભારતના સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને દિલીપ વેંગસરકર સહિત 21 ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને સંયુક્ત પત્ર લખીને ઇમરાન ખાનને યોગ્ય સારવાર આપવાની અપીલ કરી છે.

ક્રિકેટ દિગ્ગજોએ 73 વર્ષીય ઇમરાન ખાન સાથે જેલમાં માનવીય વ્યવહાર કરવાની તેમજ સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ તેમના અંગત ડોક્ટરોની હાજરીમાં સ્વતંત્ર તબીબી તપાસ કરાવવાની માંગ કરી છે. આ પત્રમાં ઓસ્ટ્રેલિયાના 8, ઇંગ્લેન્ડના 6, ભારતના 3, ન્યુઝીલેન્ડના 2 અને વેસ્ટ ઇન્ડિઝ તથા શ્રીલંકાના એક-એક પૂર્વ કેપ્ટન સામેલ છે.

અગાઉ 14 દિગ્ગજોએ પણ કરી હતી અપીલ

આ અગાઉ છ મહિના પહેલાં 14 ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટનોએ પણ પાકિસ્તાન સરકારને ઇમરાન ખાનની સારવાર અંગે અપીલ કરી હતી. હવે વધુ 7 પૂર્વ કેપ્ટનો તેમની સાથે જોડાયા છે. તમામે સ્પષ્ટ કર્યું છે કે તેમની અપીલનો કોઈ રાજકીય હેતુ નથી અને તેઓ રમતભાવનાના આધારે ઇમરાન ખાનને યોગ્ય સારવાર મળે તેવી માંગ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટના આદેશના પાલનનો મુદ્દો

સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની તબીબી તપાસ માટેના મેડિકલ બોર્ડમાં તેમના અંગત ડોક્ટર ફૈઝલ સુલ્તાન અને બહેન ડો. ઉઝમા ખાનને સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, તેમના પરિવારજનો અને વકીલોનો આરોપ છે કે સરકારી તબીબી ટીમે યોગ્ય તપાસ કર્યા વિના તેમને ફિટ જાહેર કરીને ફરી અદિયાલા જેલમાં મોકલી દીધા હતા.

આંખની દ્રષ્ટિ અંગે ગંભીર દાવો

ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. તાજેતરમાં તેમના વકીલોએ કોર્ટમાં દાવો કર્યો હતો કે જેલમાં યોગ્ય સારવાર ન મળવાને કારણે તેમની જમણી આંખની આશરે 85 ટકા દ્રષ્ટિ જતી રહી છે.

દરમિયાન, બ્રિટનના પૂર્વ મંત્રી અને ઇમરાન ખાનના પૂર્વ સાળા જેક ગોલ્ડસ્મિથે પણ બ્રિટિશ વિદેશ મંત્રીને પત્ર લખીને આ મામલે કૂટનીતિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.

Leave a Comment

Traffic Tail