વેન્ટિલેટરમાં ધડાકા બાદ આગ ફાટી નીકળી : 6 શિશુઓ ગંભીર, 36 બાળકોને સલામત બહાર કઢાયા
મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલમાં વહેલી સવારે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. હોસ્પિટલના NICUમાં વેન્ટિલેટરમાં અચાનક ધડાકો થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બાદ વોર્ડમાં ધુમાડો ફેલાઈ જતાં ત્રણ નવજાત શિશુઓનાં કરુણ મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, સવારે આશરે 3:30 વાગ્યે વેન્ટિલેટરમાં ધડાકો થયા બાદ આગ લાગી હતી. તે સમયે NICUમાં આશરે 12 નવજાત શિશુઓ સારવાર હેઠળ હતાં. આગ અને ધુમાડાને કારણે સમગ્ર વોર્ડમાં અફરાતફરી સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં નાઈટ ડ્યુટી પરના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્ટાફે બાળકોને સુરક્ષિત બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી.
જોકે, ધુમાડો શ્વાસમાં જતાં ત્રણ માસૂમ નવજાત શિશુઓએ જીવ ગુમાવ્યો હતો. અન્ય 6 શિશુઓની હાલત ગંભીર હોવાથી તેમને અમરાવતીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હોસ્પિટલના અન્ય વિભાગોમાં રહેલા બાળકો સહિત કુલ 36 જેટલા નવજાત શિશુઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
પ્રાથમિક તપાસમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ અથવા ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની આશંકા છે. ઘટનાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.









