જંતર-મંતર પર ‘અનામત હટાવો આંદોલન’ને મંજૂરી જ નહીં : દિલ્હી પોલીસની સ્પષ્ટતા

જંતર-મંતર ખાતે 21 ઓગસ્ટે ‘અનામત સુધાર’ના મુદ્દે મોટું વિરોધ પ્રદર્શન યોજાવાની સોશિયલ મીડિયા પર ફેલાયેલી માહિતીનો દિલ્હી પોલીસે સ્પષ્ટ ઇનકાર કર્યો છે. પોલીસે આ દાવાને બોગસ અને લોકોને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો છે.

દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું કે જંતર-મંતર પર આ મુદ્દે કોઈપણ વ્યક્તિ કે સંગઠનને દેખાવો, સભા કે આંદોલન યોજવાની મંજૂરી આપવામાં આવી નથી. નવી દિલ્હી જિલ્લામાં BNSSની કલમ 163 હેઠળ મનાઈ હુકમ પહેલેથી લાગુ છે.

આ મનાઈ હુકમ અંતર્ગત પાંચથી વધુ લોકોને એકઠા થવા, જાહેર સભા યોજવા અથવા વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ છે. તેથી સોશિયલ મીડિયા પર ફરતી આંદોલનની અપીલને આધારે જંતર-મંતર પર એકઠા ન થવા પોલીસે લોકોને સૂચના આપી છે.

મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ‘અનામત હટાવો આંદોલન’ના નામે એક ઈન્સ્ટાગ્રામ પેજ પર 21 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે જંતર-મંતર પહોંચીને ‘શાંતિપૂર્ણ દેખાવો’ કરવાની અપીલ કરતું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું.

દિલ્હી પોલીસે લોકોને આવી અપ્રમાણિત અને ભ્રામક માહિતીથી સાવચેત રહેવા અપીલ કરી છે. સાથે જ ખોટી માહિતી ફેલાવીને લોકોને એકત્રિત કરવાના પ્રયાસો કરનારાઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail