સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ માટે ખુલ્યો નવો માર્ગ DRDOનો મોટો નિર્ણયઃ સ્ટ્રેટેજિક હથિયારોના ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રની એન્ટ્રી

મિસાઇલ અને સ્ટ્રેટેજિક સિસ્ટમ્સના ઉત્પાદન માટે ખાનગી કંપનીઓને તક, બે કંપનીઓની ભાગીદારીથી તૈયાર થશે પ્રોજેક્ટ

નવી દિલ્હી: ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા માટે DRDOએ મહત્વપૂર્ણ પહેલ કરી છે. ભવિષ્યમાં વિકસાવવામાં આવનારા સ્ટ્રેટેજિક હથિયારો અને મિસાઇલ સિસ્ટમ્સના ઉત્પાદન માટે હવે ખાનગી ભારતીય કંપનીઓને પણ ભાગીદાર બનાવવામાં આવશે. આ માટે DRDO દ્વારા રસ ધરાવતી કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

અત્યાર સુધી અગ્નિ સિરીઝ સહિતની સંવેદનશીલ મિસાઇલ અને સ્ટ્રેટેજિક સિસ્ટમ્સના ઉત્પાદનની જવાબદારી મુખ્યત્વે સરકારી કંપનીઓ પાસે રહી છે. હવે DRDOના મિસાઇલ અને સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજીના ઉત્પાદન તબક્કામાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવામાં આવશે.

‘ડેવલપમેન્ટ-કમ-પ્રોડક્શન પાર્ટનર’ મોડેલ

DRDOની યોજના હેઠળ કંપનીઓની પસંદગી ટેકનિકલ ક્ષમતા અને નાણાકીય સક્ષમતાના આધારે થશે. દરેક પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછી બે ભારતીય કંપનીઓને ‘ડેવલપમેન્ટ-કમ-પ્રોડક્શન પાર્ટનર’ તરીકે પસંદ કરવામાં આવશે.

પસંદ થયેલી કંપનીઓ DRDO સાથે મળીને પ્રોટોટાઇપ વિકસાવશે. સંરક્ષણ દળો દ્વારા મોટા પાયે ઓર્ડર આપવામાં આવ્યા બાદ આ કંપનીઓ સંબંધિત સિસ્ટમનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરશે.

ખાનગી ક્ષેત્રને મળશે મોટી તક

આ પહેલથી દેશની ખાનગી ડિફેન્સ કંપનીઓ માટે સંરક્ષણ ઉત્પાદનના અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્રમાં પ્રવેશનો માર્ગ ખુલશે. સોલાર એરોસ્પેસ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ જેવી કંપનીઓ સંભવિત દાવેદારોમાં સામેલ હોવાનું માનવામાં આવે છે.

DRDOની આ પહેલથી દેશની સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા વધવાની સાથે મિસાઇલ અને અન્ય સ્ટ્રેટેજિક સિસ્ટમ્સના સ્વદેશી ઉત્પાદનને વેગ મળી શકે છે. સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રના પ્રયાસોને પણ આ નિર્ણયથી વધુ મજબૂતી મળવાની શક્યતા છે.

Leave a Comment

Traffic Tail