નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી દાયકામાં ફોર્ચ્યુન-500ની વૈશ્વિક યાદીમાં ભારતની 50 કંપનીઓને સ્થાન અપાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક આપ્યો છે. 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં તેમણે ભારતની કંપનીઓને વૈશ્વિક સ્તરે વધુ મોટી બનવા માટે પડકાર આપ્યો હતો.
હાલની સ્થિતિ જોતા આ લક્ષ્યાંક સરળ નથી. 2025ની ફોર્ચ્યુન ગ્લોબલ-500 યાદીમાં ભારતની માત્ર 10 કંપનીઓ સામેલ છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એલઆઈસી ટોચની 100માં છે, જ્યારે ઇન્ડિયન ઓઈલ, એસબીઆઈ, ઓએનજીસી, એચડીએફસી બેંક, ભારત પેટ્રોલિયમ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અને આઈસીઆઈસીઆઈ બેંક પણ યાદીમાં સ્થાન ધરાવે છે.
ફોર્ચ્યુન-500 વિશ્વની સૌથી મોટી કંપનીઓનું રેવેન્યુના આધારે રેન્કિંગ છે. 2025માં આ યાદીમાં સામેલ 500 કંપનીઓનું સંયુક્ત રેવેન્યુ 43.1 ટ્રિલિયન ડોલર રહ્યું હતું.
ભારતને 10થી વધારીને 50 કંપનીઓ સુધી પહોંચાડવા માટે ભારતીય ઉદ્યોગોએ માત્ર સ્થાનિક બજાર પૂરતો વિકાસ નહીં, પરંતુ વૈશ્વિક વિસ્તરણ, નિકાસ, ઉત્પાદન ક્ષમતા, ટેક્નોલોજી અને આવકમાં મોટા પાયે વધારો કરવો પડશે.
મોદીએ આ સાથે આગામી દાયકામાં ઓછામાં ઓછું એક ભારતીય બેંકને વિશ્વની ટોચની પાંચ બેંકોમાં અને એક ભારતીય ફાર્મા કંપનીને વિશ્વની ટોચની પાંચ ફાર્મા કંપનીઓમાં સ્થાન અપાવવાનું પણ લક્ષ્ય રજૂ કર્યું છે.
આથી 50 ભારતીય કંપનીઓને ફોર્ચ્યુન-500માં પહોંચાડવાનો લક્ષ્યાંક ભારતના કોર્પોરેટ ક્ષેત્ર માટે માત્ર સંખ્યા વધારવાનો નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતીય બિઝનેસની તાકાત સ્થાપિત કરવાનો મોટો પડકાર બની રહેશે.









