ચૂંટણીમાં કાળા નાણાંના વધતા ઉપયોગને લઈને સુપ્રીમકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટ સમક્ષ ચૂંટણી પંચ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓમાં 2019 અને 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી વધુ FIR નોંધાયેલા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન 35,144 FIR નોંધાઈ હતી, જ્યારે 2024ની ચૂંટણીમાં આ સંખ્યા વધીને 52,820 થઈ હતી. 2024માં ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં 29,545, પશ્ચિમ બંગાળમાં 27,461 અને ઉત્તર પ્રદેશમાં 23,645 FIR નોંધાઈ હતી.
સુપ્રીમકોર્ટે કહ્યું કે ચૂંટણીમાં કાળા નાણાંનો ઉપયોગ લોકશાહી માટે ગંભીર ખતરો છે. નાણાંના બળે મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે પડકાર ઊભો કરે છે. આવા કેસોમાં તપાસ અને કાયદેસરની કાર્યવાહી સમયબદ્ધ રીતે પૂર્ણ થવી જોઈએ.
2019ની લોકસભા ચૂંટણીમાં દેશભરમાં કુલ 1,44,030 FIR નોંધાઈ હતી. તેમાંથી 37,215 કેસોમાં દોષિત ઠેરવાયા હતા, જ્યારે 44,387 કેસ સુનાવણી હેઠળ પેન્ડિંગ હતા.
વિધાનસભા ચૂંટણીના આંકડા પણ ચોંકાવનારા છે. 2019થી 2025 દરમિયાન કુલ 2,01,894 FIR નોંધાઈ હતી. તેમાં 2023ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં 33,496 FIR સાથે સૌથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ગુજરાતની 2022ની વિધાનસભા ચૂંટણીમાં 30,253 FIR નોંધાઈ હતી.
સુપ્રીમકોર્ટે ચૂંટણી સંબંધિત ગુનાઓ સામે કાર્યવાહી વધુ અસરકારક બનાવવા અને પેન્ડિંગ કેસોનો ઝડપી તથા સમયબદ્ધ નિકાલ કરવા પર ભાર મૂક્યો છે.









