રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વહીવટી અને વિકાસલક્ષી મુદ્દાઓ પર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં કુલ 14 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. તેમાંથી એક દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે, જ્યારે એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે.
રેસકોર્સ ઓડિટોરિયમના રિનોવેશનને હાલ બ્રેક
રેસકોર્સ સ્થિત ઓડિટોરિયમના રિનોવેશન માટેની દરખાસ્ત કમિટીએ નામંજૂર કરી છે. હવે આગામી ચાર મહિના સુધી PPP ધોરણે ખાનગી એજન્સી મારફતે કામ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કોઈ એજન્સી કામગીરી માટે આગળ નહીં આવે તો દરખાસ્ત ફરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે.
પેટ્રોલ પંપના નિર્ણયથી મનપાને મોટો લાભ
RMCના વાહનો માટે કન્ઝ્યુમર પંપને બદલે રીટેલ પેટ્રોલ પંપ અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી મહાનગરપાલિકાને ઈંધણ ખર્ચમાં દર મહિને આશરે ₹40 લાખની બચત થવાની શક્યતા છે.
સ્વચ્છતા માટે NIXIને જવાબદારી
રાજકોટની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે NIXI એજન્સીને કામગીરી સોંપવાનો નિર્ણય લેવાયો છે. એજન્સી સ્વચ્છતા, એર પોલ્યુશન, ડસ્ટ ફ્રી સિટી સહિતના વિવિધ 16 પોર્ટલ પર જરૂરી ડેટા સબમિટ કરશે.
આ કામગીરીના આધારે કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવામાં મદદ મળશે અને રાજકોટના સ્વચ્છતા રેન્કિંગમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. બેઠકમાં લેવાયેલા નિર્ણયો પૈકી ઈંધણ ખર્ચમાં બચત અને સ્વચ્છતા સંબંધિત નિર્ણયોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.









