ફ્રાન્સમાં ઈચ્છામૃત્યુ કાયદાને આખરી મંજૂરી: અસાધ્ય બીમારીના દર્દીઓને મળશે જીવનના અંતનો વિકલ્પ

ફ્રાન્સમાં ઈચ્છામૃત્યુને કાયદેસર બનાવવાની દિશામાં ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ફ્રાન્સની બંધારણીય પરિષદે ગંભીર અને અસાધ્ય બીમારીના અંતિમ તબક્કામાં રહેલા દર્દીઓને તબીબી સહાયથી જીવનનો અંત પસંદ કરવાની મંજૂરી આપતા કાયદાને મંજૂરી આપી છે.

નવા કાયદા મુજબ પુખ્ત વયના ફ્રેન્ચ નાગરિકો અથવા કાનૂની રહેવાસીઓ, જેઓ ગંભીર અને અસાધ્ય બીમારીના અંતિમ તબક્કામાં હોય, તેઓ આ પ્રક્રિયા માટે પાત્ર બની શકે છે. દર્દી પોતે ઘાતક દવા લઈ શકશે અને શારીરિક રીતે અસમર્થ હોય તો ડોક્ટર અથવા નર્સ તેની મદદ કરી શકશે.

નેશનલ એસેમ્બલીમાં 291-241 મતથી મંજૂરી

ગત જુલાઈમાં ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં ઈચ્છામૃત્યુ સંબંધિત ઐતિહાસિક બિલ 291 વિરુદ્ધ 241 મતોથી પસાર થયું હતું. હવે બંધારણીય પરિષદની મંજૂરી બાદ કાયદાના અમલનો માર્ગ વધુ સરળ બન્યો છે.

આ નિર્ણયથી ફ્રાન્સ નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડ અને કેનેડા જેવા દેશોની યાદીમાં સામેલ થવાની દિશામાં આગળ વધ્યું છે, જ્યાં સહાયથી મૃત્યુ અંગે કાનૂની વ્યવસ્થા પહેલેથી અસ્તિત્વમાં છે.

અત્યાર સુધી ફ્રાન્સમાં મરણાસન્ન દર્દીઓને માત્ર બેભાન રાખીને કુદરતી મૃત્યુ થવા દેવાની જ મર્યાદિત મંજૂરી હતી. નવા કાયદાથી ગંભીર અને અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીઓના જીવનના અંત અંગેના કાયદામાં મોટો ફેરફાર થશે.

Leave a Comment

Traffic Tail