સ્વતંત્રતા દિવસ પૂર્વે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી : લાલ કિલ્લા સહિત અનેક સ્થળો નિશાન પર

નવી દિલ્હીઃ 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ પૂર્વે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હી હાઈકોર્ટ, IGI એરપોર્ટના ટર્મિનલ-3 અને લાલ કિલ્લા સહિત અનેક મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.

ધમકીભર્યા ઈમેલમાં જામનગર હાઉસ, ઝંડેવાલાન બિલ્ડિંગ, સાકેત DM ઓફિસ અને દિલ્હી કેન્ટની SDM ઓફિસ સહિતના સ્થળોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હી મેટ્રો, અંબાલા તરફ જતી ટ્રેનો તથા દિલ્હીની તમામ જિલ્લા અદાલતોને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટને મળેલા ઈમેલમાં હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં આતંકવાદી સંગઠનનો ઉલ્લેખ તથા ગૃહમંત્રી અમિત શાહ અને અદાલતો વિરુદ્ધ ધમકીભરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન

ધમકી મળતાં જ દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, સ્નિફર ડોગ્સ અને ફાયર બ્રિગેડની ટીમો વિવિધ સ્થળોએ પહોંચી ગઈ હતી. સંવેદનશીલ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી કોઈ બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે, ધમકીભર્યા ઈમેલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે. સાયબર ટીમ ઈમેલના સ્ત્રોત અને તેને મોકલનાર વ્યક્તિની ઓળખ મેળવવા માટે તપાસ કરી રહી છે.

સ્વતંત્રતા દિવસ માટે 20 હજાર સુધી જવાનો તૈનાત

વડાપ્રધાન 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરવાના હોવાથી દિલ્હીમાં પહેલેથી જ કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. ધમકી બાદ સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે.

સ્વતંત્રતા દિવસની સુરક્ષા માટે 15થી 20 હજાર જેટલા સુરક્ષા જવાનો તૈનાત રહેશે. લાલ કિલ્લાની આસપાસના આશરે 3 કિલોમીટર વિસ્તારમાં CCTV, ફેસ રેકગ્નિશન અને વીડિયો એનાલિટિક્સ દ્વારા નજર રાખવામાં આવશે.

દિલ્હીની સરહદો પર વાહનોનું ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail