નવી દિલ્હીઃ વધુ પડતી ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટ ધરાવતા પેકેજ્ડ ફૂડ પર ચેતવણી લેબલ લગાવવાના મુદ્દે નિર્ણય લેવામાં વિલંબ થતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને FSSAIની ઝાટકણી કાઢી છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદનની બેન્ચે સ્પષ્ટ કર્યું કે જો સરકાર આ મુદ્દે નિર્ણય લેવામાં નિષ્ફળ રહેશે તો સુપ્રીમ કોર્ટ પોતે જ માર્ગદર્શિકા જાહેર કરશે. કોર્ટે ખાસ કરીને બાળકો સહિત લોકોના સ્વાસ્થ્યને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે અગાઉના નિર્દેશો છતાં પેકેટ ફૂડ પર પોષણ સંબંધિત કડક ચેતવણી લેબલ લાગુ કરવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે. સુનાવણી દરમિયાન ASG બ્રિજેન્દ્ર ચહરને કોર્ટે પૂછ્યું કે શું સરકાર પર કોર્પોરેટ ક્ષેત્રનું દબાણ છે?
સરકારની દલીલ સામે કોર્ટની ટકોર
કેન્દ્ર સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે કડક ચેતવણી લેબલ લાગુ કરવાથી નમકીન જેવા પરંપરાગત ભારતીય ખાદ્ય પદાર્થો પર પણ મીઠું અને ફેટની માત્રા વધુ હોવાના કારણે ‘લાલ ચેતવણી’ દર્શાવવી પડી શકે છે.
સરકાર તરફથી બે ઈંડાના ઉદાહરણ દ્વારા દૈનિક ફેટની મર્યાદા અંગે પણ દલીલ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આ દલીલને ફગાવી દેતાં કહ્યું કે આવી બાબતોના કારણે લોકોને ખોરાક અને પોષણ અંગે જાગૃત કરવાના પ્રયાસો અટકાવી શકાય નહીં.
વેપારી નફા કરતાં લોકોનું સ્વાસ્થ્ય મહત્વનું
સુપ્રીમ કોર્ટે FSSAIને સવાલ કર્યો કે શું ઉત્પાદકોનો વ્યાપારી નફો લોકોના સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્વનો હોઈ શકે?
ઉત્પાદક તરફથી વરિષ્ઠ વકીલ મનિંદર સિંહે રજૂઆત કરી કે ઉત્પાદકો નીતિ નક્કી કરી શકે નહીં. જ્યારે વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે ખાદ્ય પદાર્થોને અલગ-અલગ કેટેગરીમાં વહેંચી તેમાં રહેલી પોષણ સંબંધિત માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવાનું સૂચન કર્યું.
કોર્ટે સમગ્ર મામલે સરકારના વલણને ગંભીરતાથી લેતાં સંકેત આપ્યો છે કે જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો નાગરિકોના સ્વાસ્થ્યના હિતમાં સુપ્રીમ કોર્ટ પોતે જ જરૂરી માર્ગદર્શિકા જાહેર કરશે.









