ચમોલીમાં નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલનઃ કાટમાળ અને પાણી ઘૂસતાં 9 મજૂરોના મોત

ચમોલીના પીપલકોટી નજીક વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત પ્રોજેક્ટની નિર્માણાધીન ટનલમાં અચાનક કાટમાળ અને પાણી ઘૂસી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટનલમાં કામ કરી રહેલા આશરે 28 મજૂરો ફસાયા હતા, જેમાંથી 19 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 9 મજૂરોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.

રેસ્ક્યૂ કરાયેલા મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ટનલમાં ફસાયેલા અન્ય મજૂરોની શોધખોળ માટે NDRF, SDRF, ITBP, પોલીસ સહિતની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મજૂરોના જણાવ્યા મુજબ, ટનલમાં અચાનક કાટમાળ અને પાણી ઘૂસી આવતાં ઓક્સિજનનું સ્તર ઘટી ગયું હતું. જેના કારણે અંદર ફસાયેલા મજૂરોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડી હતી. એક ઘાયલ મજૂરે જણાવ્યું કે તે કમર સુધી કાદવમાં ફસાઈ ગયો હતો અને ભારે જહેમત બાદ તેનો જીવ બચ્યો હતો.

ચમોલીના એસપી સુરજીત સિંહ પવારે જણાવ્યું કે સાંજે 6:30થી 6:45 વાગ્યાની વચ્ચે પીપલકોટીમાં નિર્માણાધીન ટનલમાં અંદાજે 1.8 કિમી અંદરથી કાટમાળ અને પાણીનો પ્રવાહ આવ્યો હતો. જેના કારણે ટનલમાં કામ કરતા મજૂરો ફસાઈ ગયા હતા. બચાવ ટીમો સતત કામગીરી કરી રહી છે અને અંદર ફસાયેલા મજૂરોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ ઘટનાની માહિતી મેળવી બચાવ કામગીરી ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

Leave a Comment

Traffic Tail