ઇરાન-અમેરિકા યુદ્ધની અસરઃ બાંગ્લાદેશમાં ઊર્જા સંકટ

રાત્રે 8 વાગ્યા બાદ શોપિંગ મોલ-દુકાનો બંધ કરવાનો આદેશ

ઢાકાઃ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ઊર્જા સંકટની સીધી અસર હવે બાંગ્લાદેશમાં જોવા મળી રહી છે. વીજળી અને ઈંધણની અછતને પહોંચી વળવા માટે સરકારે દેશભરમાં બજારો, શોપિંગ મોલ અને દુકાનોના સમય પર નિયંત્રણ લાદ્યું છે.

સરકારના નવા આદેશ મુજબ, બજારો અને દુકાનો સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ ખુલ્લાં રાખી શકાશે. ઊર્જાની બચત માટે સાંજે 7 વાગ્યા બાદ રોશનીવાળા હોર્ડિંગ્સ અને જાહેરાતી બિલબોર્ડ્સ બંધ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત સજાવટી લાઇટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મેળા, ટ્રેડ ફેર અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવા પડશે. આ નિયમો સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યા છે.

જોકે, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, ખાણી-પીણીની દુકાનો અને અન્ય આવશ્યક સેવાઓને આ નિયમોમાંથી છૂટ આપવામાં આવી છે.

પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને કારણે ઈંધણની આયાતને અસર થઈ છે. ગેસ અને ઈંધણની અછતને કારણે અનેક વિસ્તારોમાં પાવર કટની સ્થિતિ સર્જાઈ છે અને વીજ ઉત્પાદન પર પણ અસર પડી રહી છે.

ઊર્જા સંકટ વચ્ચે બાંગ્લાદેશે ભારત પાસે ડીઝલ સપ્લાય વધારવા માટે મદદ માંગી છે. ભારત-બાંગ્લાદેશ પાઈપલાઈન મારફતે વધુ પ્રમાણમાં ડીઝલ મેળવવાની માંગ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

યુદ્ધ લાંબું ચાલશે તો બાંગ્લાદેશમાં ઈંધણ અને વીજળીનું સંકટ વધુ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં સરકાર ભારત સહિત અન્ય દેશો પાસેથી ઊર્જા પુરવઠાના વિકલ્પો શોધી રહી છે.

Leave a Comment

Traffic Tail