રાજકોટ, વઢવાણ અને જામનગરમાં વરસાદી ઝાપટાં; વાતાવરણમાં ઠંડક પ્રસરી
રાજકોટ: શ્રાવણ માસના પ્રારંભ પહેલાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજે અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
વઢવાણમાં પણ વરસાદ:
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં મોડી રાતથી વહેલી સવાર સુધી હળવો વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે વાતાવરણ ખુશનુમા બન્યું હતું અને લોકોને ગરમીથી રાહત મળી હતી.
જામનગરમાં પણ વરસાદી ઝાપટાં
જામનગર શહેર અને જિલ્લામાં ભારે બફારા બાદ ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાલાવડમાં 3 મીમી અને જામનગર શહેરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.
વરસાદને કારણે શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. વહેલી સવાર સુધી વરસાદી માહોલ યથાવત રહેતાં શ્રાવણના આગમન પહેલાં શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
શિવભક્તો મંદિરોમાં દર્શન અને પૂજન માટે પહોંચ્યા હતા. શ્રાવણ પહેલાં વરસેલા વરસાદને લઈને સ્થાનિકોમાં ‘મેઘરાજાએ મહાદેવનો અભિષેક કર્યો હોય’ તેવી ભક્તિભાવના જોવા મળી હતી.









