સોનીના ટીવી શોમાં હોસ્ટ તરીકે ડેબ્યૂની ચર્ચા વચ્ચે ક્રિકેટ કારકિર્દી પર સવાલ
નવી દિલ્હી: રોહિત શર્માની વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગેની અટકળો ફરી તેજ બની છે. સોની લિવ અને સોની ટીવી પર રોહિતના એન્ટરટેઈનમેન્ટ શોમાં હોસ્ટ તરીકે ડેબ્યૂના અહેવાલો બાદ આ ચર્ચાએ વેગ પકડ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ રોહિત આશરે 6 મહિના લાંબા ટીવી શો સાથે જોડાઈ શકે છે. વ્યસ્ત શૂટિંગ શિડ્યૂલના કારણે ક્રિકેટ અને ટ્રેનિંગ માટે સમય ફાળવવો મુશ્કેલ બની શકે છે.
અહેવાલો અનુસાર, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચની ODI સિરીઝ રોહિતની ફેરવેલ સિરીઝ બની શકે છે. ત્યારબાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસે જશે, જ્યાં રોહિતની હાજરી અંગે અનિશ્ચિતતા છે.
આ પહેલાં પણ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામેની ODI રોહિતની છેલ્લી મેચ હોવાની અટકળો સામે આવી હતી. જોકે, BCCI સેક્રેટરી દેવજિત સૈકિયાએ આ અહેવાલોને ફગાવી દીધા હતા. રોહિતે અગાઉ 2027 વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
હાલ સોની નેટવર્ક કે રોહિત તરફથી શોના સમયગાળા અને શૂટિંગ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેથી નિવૃત્તિ અંગેની ચર્ચા હાલ માત્ર અટકળો છે.
જો રોહિત લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહે છે, તો 2027 વર્લ્ડ કપમાં તેની પસંદગી અંગે સવાલો વધુ ગંભીર બની શકે છે.









