રૈયાગામ નજીક યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી, દારૂ-કાર સહિત રૂ.3.21 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ: રાજકોટમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે યુનિવર્સિટી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રૈયાગામ નજીકથી કારના દરવાજામાં બનાવેલા ચોરખાનામાં છુપાવેલી વિદેશી દારૂની 240 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે દારૂ ભરેલી I-20 કાર મેલડીમાના મંદિર નજીકથી રૈયાગામ તરફ જતા કાચા રસ્તા પરથી પસાર થવાની છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારને અટકાવી તપાસ કરી હતી.
કારની તપાસ દરમિયાન દરવાજામાં ખાસ રીતે બનાવેલા ચોરખાનામાંથી 240 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારચાલક દિનેશ નરોતમ પરમાર, રહે. રૈયાધાર,ની ધરપકડ કરી હતી.
પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.3.21 લાખનો મુદ્દામાલ કબજે કરીને દિનેશની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન દિનેશે દારૂનો જથ્થો લીંબડીના કરણ નરેશ સોલંકી પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
આ ખુલાસા બાદ પોલીસે કરણ સોલંકીને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આ સમગ્ર હેરાફેરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
કારમાં બનાવેલા ખાસ ચોરખાનામાં દારૂ છુપાવી હેરાફેરી કરવાનો મામલો સામે આવતા પોલીસે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસનો દોર વધુ તેજ કર્યો છે.









