કચરો પાથરાયાની ચર્ચા વચ્ચે અફસરો દોડતા થયા; ફોટો-વિડિયો વાયરલ થાય તે પહેલાં જ રાબિઝ હટાવાયો
રાજકોટ: રાજકોટના રેસકોર્સ બગીચામાં કાળી માટીના બદલે કાટમાળનો પડતર કચરો એટલે કે “રાબિઝ” પાથરી દેવામાં આવ્યો હોવાની વિગતો સામે આવતા બાગ-બગીચા વિભાગમાં ચર્ચા જાગી છે. સમગ્ર મામલો સામે આવતા સંબંધિત અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ, બગીચાના કામ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા કાળી માટી નાખવાની જગ્યાએ કાટમાળનો કચરો પાથરી દેવામાં આવ્યો હોવાની ચર્ચા છે. આ અંગેની જાણ થતાં જ સ્થળ પરની સ્થિતિ બદલવામાં આવી હતી અને રાબિઝ તાત્કાલિક હટાવી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે હવે સવાલો ઊભા થયા છે કે બગીચામાં કાળી માટી નાખવાની કામગીરી માટે શું માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા? જો કાળી માટી નાખવાની હતી તો તેની જગ્યાએ રાબિઝ કોણે અને કયા અધિકારીની મંજૂરીથી પાથર્યો?
વધુમાં, ફોટો અને વીડિયો વાયરલ થાય તે પહેલાં જ રાબિઝ હટાવી દેવામાં આવ્યો હોવાની ચર્ચાએ પણ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. શું અધિકારીઓને મામલો બહાર આવવાની જાણ થતાં જ કાર્યવાહી કરવાની ફરજ પડી કે પછી નિયમિત તપાસ દરમિયાન આ બાબત ધ્યાનમાં આવી?
રાજકોટ કોર્પોરેશનના બાગ-બગીચા વિભાગની કામગીરી અંગે અગાઉથી જ સવાલો ઉઠતા રહ્યા છે ત્યારે રેસકોર્સ બગીચાની આ ઘટના સામે આવ્યા બાદ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માટે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.









