વ્યાજદરમાં રાહત માટે હજુ રાહ જોવી પડશે; FD પર મળતું વ્યાજ પણ હાલ યથાવત્ રહેશે
મુંબઈ: દેશના કરોડો લોનધારકો અને બચતકર્તાઓ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક બાદ રેપો રેટ 5.25 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે હાલ હોમ લોન, કાર લોન સહિતની વિવિધ લોનની EMIમાં કોઈ ઘટાડો નહીં થાય.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, ક્રૂડ ઓઇલના ભાવમાં અનિશ્ચિતતા અને મોંઘવારીના જોખમને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્રીય બેંકનું માનવું છે કે આ સમયે રેપો રેટ ઘટાડવાથી મોંઘવારી પર ફરી દબાણ વધી શકે છે.
બીજી તરફ, ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરનારાઓ માટે આ નિર્ણય રાહતરૂપ સાબિત થયો છે. રેપો રેટ સ્થિર રહેતાં બેંકો દ્વારા FD પર મળતા વ્યાજદરમાં તાત્કાલિક ઘટાડો થવાની શક્યતા ઓછી છે, જેથી રોકાણકારોને હાલનો વ્યાજદર યથાવત્ મળતો રહેશે.
આ નિર્ણય બાદ લોનધારકોને EMIમાં રાહત માટે હજુ રાહ જોવી પડશે, જ્યારે બચતકર્તાઓ માટે હાલની વ્યાજદર વ્યવસ્થા યથાવત્ રહેતા તેમની બચત પરનો વળતર પણ અત્યારે અકબંધ રહેશે.









