અધૂરી અરજી હવે સીધી જ નામંજૂર થશે; ગ્રીન કાર્ડ અને વિઝા પ્રક્રિયામાં પણ કડકાઈ
વોશિંગ્ટન: અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધી રહી છે. ટ્રમ્પ પ્રશાસનની નવી ઈમિગ્રેશન નીતિઓના કારણે ભારતીયોને અપાતા F-1 સ્ટુડન્ટ વિઝામાં 62 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
‘સેન્ટર ફોર ઈમિગ્રેશન સ્ટડીઝ (CIS)’ના અહેવાલ મુજબ, મે થી ઓગસ્ટ 2024 દરમિયાન 58,694 ભારતીય વિદ્યાર્થીઓને F-1 વિઝા મળ્યા હતા, જ્યારે 2025ના સમાન સમયગાળામાં આ આંકડો ઘટીને માત્ર 22,149 રહ્યો છે. ચીનના વિદ્યાર્થીઓના F-1 વિઝામાં પણ 34 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ સાથે જ અમેરિકાની USCISએ વિઝા, ગ્રીન કાર્ડ અને નાગરિકતા સંબંધિત અરજીઓ માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે અરજી સાથે તમામ જરૂરી દસ્તાવેજો અને પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો અધિકારીઓ કોઈ વધારાની તક આપ્યા વગર અરજી સીધી જ ફગાવી શકશે.
અગાઉ અરજદારોને રિક્વેસ્ટ ફોર એવિડન્સ (RFE) અથવા નોટિસ ઓફ ઈન્ટેન્ટ ટુ ડિનાય (NOID) દ્વારા દસ્તાવેજો પૂર્ણ કરવાની તક મળતી હતી, પરંતુ નવી નીતિ બાદ આ પ્રક્રિયા ફરજિયાત રહેશે નહીં.
USCISના જણાવ્યા અનુસાર, અધૂરી અરજીઓના કારણે પ્રક્રિયામાં વિલંબ અને બેકલોગ વધતો હોવાથી નિયમોમાં કડકાઈ લાવવામાં આવી છે. હવે અરજદારે પ્રથમ જ પ્રયાસમાં સંપૂર્ણ અને યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરવી અનિવાર્ય રહેશે.
નવી નીતિના કારણે અમેરિકા ભણવા, નોકરી કરવા અથવા ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા ભારતીયો માટે વિઝા પ્રક્રિયા વધુ કડક અને પડકારજનક બની ગઈ છે.









