મોરબીમાં ₹7.36 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: એમપીની ગેંગના બે સાગરીત ઝડપાયા, ત્રણ ફરાર

મોરબી: આંદરણા ગામમાં થયેલી ₹7.36 લાખની રોકડ અને દાગીનાની ચોરીનો ભેદ મોરબી એલસીબીએ ઉકેલી કાઢ્યો છે. પોલીસે મધ્યપ્રદેશની ગેંગના બે આરોપીઓને ઝડપી તેમની પાસેથી ₹4.53 લાખના સોના-ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. ગેંગના અન્ય ત્રણ આરોપીઓને ઝડપી લેવા શોધખોળ તેજ કરવામાં આવી છે.

17થી 18 જુલાઈ દરમિયાન કમલેશભાઈ બોરાણાના બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા શખ્સોએ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન એલસીબીને મળેલી બાતમીના આધારે વાંકડા રોડ વિસ્તારમાં ઈંટના ભઠ્ઠા પર કામ કરતા બે શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછમાં તેમણે અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને ચોરી આચર્યાની કબૂલાત કરી હતી.

પકડાયેલા આરોપીઓની ઓળખ સમરસિંગ ઉર્ફે સમીર કાલુસિંહ દેવકા (33) અને સુરેશ ઉર્ફે સુરો ભુરસિંગ દેવકા (26) તરીકે થઈ છે. તપાસમાં અંતરસિંગ મકવાણા, રમેશ દેવકા અને દિલીપ અનારિયા નામના અન્ય ત્રણ આરોપીઓના નામ પણ સામે આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ લાંબા સમયથી મોરબી જિલ્લામાં મજૂરી કામ કરતા હોવાથી ગ્રામ્ય વિસ્તારો અને રસ્તાઓથી સારી રીતે પરિચિત હતા. દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કર્યા બાદ પોતાના સાગરીતોને બોલાવી ચોરીને અંજામ આપ્યો હતો.

હાલ પકડાયેલા આરોપીઓને મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યારે ફરાર આરોપીઓની ધરપકડ માટે વિવિધ ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail