અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ વાટાઘાટોની અટકળો વચ્ચે હોર્મુઝની ખાડીમાં ફરી એક કાર્ગો જહાજ પર હુમલો થતાં મધ્યપૂર્વમાં તણાવ વધુ ઘેરાયો છે. ઓમાનના દરિયાકાંઠા નજીક અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી વેપારી જહાજને નિશાન બનાવવામાં આવ્યું હોવાનું યુકે મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO)એ જણાવ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાન સાથે વાતચીત ચાલી રહી છે અને સમજૂતી માટે આ “છેલ્લી તક” છે. જોકે, ઇરાને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે કોઈ વાટાઘાટો ચાલી રહી નથી અને આવી કોઈ બેઠક પણ નક્કી કરવામાં આવી નથી.
હોર્મુઝની ખાડીમાં વધેલા તણાવને કારણે શિપિંગ પ્રવૃત્તિઓ પણ ધીમી પડી છે. સોમવારે માત્ર છ જહાજો જ આ માર્ગ પરથી પસાર થયા હોવાનું નોંધાયું છે.
તણાવ વચ્ચે વૈશ્વિક બજારમાં મિશ્ર અસર જોવા મળી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે શેરબજારોમાં તેજી જોવા મળી છે. ટ્રમ્પે હોર્મુઝની ખાડી પર અમેરિકન નેવીનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનો દાવો કર્યો છે.
વિશ્લેષકોનું માનવું છે કે હોર્મુઝમાં વધતી અસ્થિરતા વૈશ્વિક ઊર્જા પુરવઠા અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે ફરી એકવાર ચિંતાનો વિષય બની રહી છે.









