ગુજરાતમાં 3 વર્ષમાં રૂ.3,708 કરોડનું બેન્કિંગ ફ્રોડ: દેશમાં છઠ્ઠું સ્થાન, રિકવરી માત્ર 2.6%

અમદાવાદ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના તાજેતરના આંકડા મુજબ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ગુજરાતમાં રૂ.3,707.7 કરોડના બેન્કિંગ ફ્રોડ નોંધાયા છે. આ સાથે ગુજરાત દેશમાં બેન્ક ફ્રોડની કુલ રકમના મામલે છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે.

વર્ષ 2023-24માં રૂ.986.2 કરોડ, 2024-25માં રૂ.1,285.9 કરોડ અને 2025-26માં રૂ.1,435.6 કરોડના ફ્રોડ નોંધાતા ત્રણ વર્ષમાં કુલ રકમમાં 45.6 ટકા વધારો થયો છે.

દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને તમિલનાડુ ગુજરાતથી આગળ છે. માત્ર આ છ રાજ્યોમાં જ ત્રણ વર્ષ દરમિયાન રૂ.72 હજાર કરોડથી વધુની છેતરપિંડી નોંધાઈ છે.

સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ મોટાભાગની ઠગાઈ નકલી KYC લિંક્સ, APK ફાઇલ, ક્રેડિટ કાર્ડ ઓફર અને ફેક બિલ પેમેન્ટ લિંક્સ મારફતે થાય છે. વડીલો અને ટેક્નોલોજી અંગે ઓછી જાણકારી ધરાવતા લોકો સૌથી વધુ શિકાર બને છે.

ચિંતાજનક બાબત એ છે કે કુલ રૂ.3,707.7 કરોડમાંથી માત્ર રૂ.96.58 કરોડ (2.6%) જ પરત મળી શક્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ફ્રોડની જાણ ‘ગોલ્ડન અવર’ એટલે કે પ્રથમ એક કલાકમાં કરવામાં આવે તો રકમ ફ્રીઝ કરી રિકવરીની શક્યતા વધી શકે છે.

Leave a Comment

Traffic Tail