એર ઈન્ડિયાની ફ્લાઇટ હવામાં ટર્બ્યુલન્સમાં ફસાઈ: 300 ફૂટ ઊંચાઈ ગુમાવી, દિલ્હીમાં સલામત લેન્ડિંગ

ફુકેટથી આવી રહેલી ફ્લાઇટમાં જોરદાર આંચકા; 10 મુસાફરો અને ક્રૂને સામાન્ય ઈજા

નવી દિલ્હી: થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની AI-2379 ફ્લાઇટ હવામાં અચાનક ભારે ટર્બ્યુલન્સમાં ફસાઈ જતાં મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોરદાર હવાના આંચકાને કારણે એરબસ A320 વિમાને આશરે 300 ફૂટ ઊંચાઈ ગુમાવી હતી અને વિમાનમાં ભારે ધ્રુજારી અનુભવાઈ હતી.

ફ્લાઇટમાં ક્રૂ સહિત 134 લોકો સવાર હતા. અચાનક આવેલા આંચકાના કારણે 10 જેટલા મુસાફરો અને કેટલાક કેબિન ક્રૂ પોતાની બેઠકો પરથી નીચે પટકાતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે પાયલોટે પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવી વિમાનને ફરી સ્થિર કર્યું અને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું.

એર ઈન્ડિયાએ જણાવ્યું કે ઘટનામાં કોઈ ગંભીર ઈજા થઈ નથી. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તમામ મુસાફરો સુરક્ષિત છે.

ટર્બ્યુલન્સ કેમ થાય છે?

નિષ્ણાતોના જણાવ્યા મુજબ હવાના અનિયમિત પ્રવાહ, વરસાદી વાદળો, જેટ સ્ટ્રીમ, પર્વતીય વિસ્તારો અથવા અન્ય વિમાનથી સર્જાતા હવાના વંટોળને કારણે ટર્બ્યુલન્સ સર્જાય છે. આધુનિક વિમાનો આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ હોય છે અને સામાન્ય રીતે તેનાથી વિમાનને કોઈ ગંભીર જોખમ ઊભું થતું નથી. સૌથી મોટું જોખમ સીટબેલ્ટ ન બાંધેલા મુસાફરોને ઈજા થવાનું રહે છે.

Leave a Comment

Traffic Tail