1998માં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને હચમચાવી દેનારા કેસમાં હાઈકોર્ટ સમક્ષ CBIનો કડક અભિપ્રાય
અમદાવાદ: વર્ષ 1998માં વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ગુરુ ગદાધરાનંદની હત્યાથી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચકચાર મચી હતી. આ જ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત નારાયણ સ્વામીની બાકી સજા માફ કરવા રાજ્ય સરકારે ભલામણ કરતાં CBIએ ગુજરાત હાઈકોર્ટમાં તેનો કડક વિરોધ નોંધાવ્યો છે.
ગુરુ ગદાધરાનંદનો મૃતદેહ અત્યંત ક્રૂર રીતે હત્યા કર્યા બાદ અર્ધબળેલી હાલતમાં મળી આવ્યો હતો. તપાસ દરમિયાન મંદિરના નાણાકીય વહીવટને લઈને વિવાદ હત્યાનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર કેસની તપાસ CBIએ હાથ ધરી હતી.
નારાયણ સ્વામી (મૂળ નામ દિનેશભાઈ શંકરભાઈ પટેલ) સહિત પાંચ આરોપીઓ સામે હત્યા, અપહરણ, ષડયંત્ર અને પુરાવા નષ્ટ કરવાના ગુનાઓ નોંધાયા હતા. સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી, પરંતુ બાદમાં ગુજરાત હાઈકોર્ટે તેને આજીવન કારાવાસમાં ફેરવી હતી.
લાંબા સમયથી જેલમાં રહેલા નારાયણ સ્વામીએ સ્વાસ્થ્ય અને સારી વર્તણૂકના આધારે સજા માફ કરવાની અરજી કરી હતી. જોકે CBIએ હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે આરોપી હત્યાના મુખ્ય ષડયંત્રકાર હતા અને ગુનો પૂર્વયોજિત તેમજ અત્યંત ક્રૂર હોવાથી સજા માફ કરવા જેવી કોઈ પરિસ્થિતિ નથી.
જેલ સત્તાવાળાઓની ભલામણ છતાં જેલ વિભાગે પણ સજા માફ કરવા નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. હવે રાજ્ય સરકારના અનુકૂળ વલણ અને CBIના વિરોધ વચ્ચે આ સમગ્ર મામલે અંતિમ નિર્ણય ગુજરાત હાઈકોર્ટ કરશે.









