રાજકોટ અને અમદાવાદમાં રમાશે 3 વનડે અને 2 ચાર દિવસીય મેચો; વૈભવ સૂર્યવંશીની ઉપલબ્ધતા પર સૌની નજર
નવી દિલ્હી: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત પ્રવાસ માટે 16 સભ્યોની અંડર-19 ટીમ જાહેર કરી છે. તાજેતરમાં યોજાયેલા U-19 વર્લ્ડ કપ બાદ ટીમમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે અને 14 નવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
વર્લ્ડ કપમાં રમેલા ઝડપી બોલરો વિલ બાયરોમ અને કેસી બાર્ટનને ફરી ટીમમાં સ્થાન મળ્યું છે. ઉપરાંત, ભારતીય મૂળના નીલ પટેલની પસંદગી પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 18 સપ્ટેમ્બરથી ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચોની શ્રેણી રમાશે. પ્રથમ ત્રણ વનડે અને પ્રથમ ચાર દિવસીય મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં યોજાશે, જ્યારે બીજી ચાર દિવસીય મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બી ગ્રાઉન્ડ પર રમાશે.
હવે સૌની નજર ભારતીય અંડર-19 ટીમની જાહેરાત પર છે. ખાસ કરીને 15 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આ શ્રેણીમાં રમશે કે નહીં તે અંગે ઉત્સુકતા છે. જો તેઓ ટીમમાં સ્થાન મેળવે, તો તેમની આક્રમક બેટિંગ ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણ માટે કઠિન પડકાર બની શકે છે.









