ગોપનીયતા, જાહેર સુરક્ષા અને ડિજિટલ પ્લેટફોર્મની જવાબદારી અંગે થશે ચર્ચા
નવી દિલ્હી: તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વ્યાપક ઉપયોગ બાદ કેન્દ્ર સરકારે ડિજિટલ પ્લેટફોર્મની ભૂમિકાને ગંભીરતાથી લીધી છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે સંસદની માહિતી પ્રૌદ્યોગિકી સંબંધિત સ્થાયી સમિતિએ મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ), X, ગૂગલ અને સ્નેપચેટના પ્રતિનિધિઓ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય તથા ગૃહ મંત્રાલયના અધિકારીઓને હાજર રહેવા જણાવ્યું છે.
સમિતિના અધ્યક્ષ અને ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું કે સોશિયલ મીડિયા કંપનીઓ નાગરિકોની ગોપનીયતા, મહિલાઓ અને બાળકોની સુરક્ષા તેમજ જાહેર વ્યવસ્થા જાળવવા માટે કયા નિયમો અને વ્યવસ્થાઓ અમલમાં મૂકે છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
તાજેતરમાં થયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો દરમિયાન સોશિયલ મીડિયા પર લાઇવ વીડિયો, પોસ્ટ, રેલીની માહિતી અને અભિયાનના સંદેશાઓ ઝડપથી વાયરલ થતાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ડિજિટલ પ્લેટફોર્મની જવાબદારી અને તેના નિયમન અંગે ચર્ચા વધુ તેજ બની છે. આ મુદ્દે સંસદીય સમિતિ હવે સંબંધિત કંપનીઓ પાસેથી સ્પષ્ટીકરણ અને જરૂરી માહિતી મેળવશે.









