દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી; હજારો લોકોનું સ્થળાંતર, 50થી વધુનું રેસ્ક્યૂ, તંત્ર હાઈ એલર્ટ
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાના સૌથી ભારે વરસાદી રાઉન્ડે જનજીવનને અસર કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જ્યારે સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં 24.02 ઇંચ (611 મીમી) વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો હતો. અતિભારે વરસાદને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ લગભગ સતત ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. ડોલવણમાં 16.73 ઇંચ, વસોમાં 16.38 ઇંચ, વાંસદામાં 16.26 ઇંચ, ઉમરપાડામાં 14.68 ઇંચ, નડિયાદમાં 13.43 ઇંચ, વધઈમાં 11 ઇંચ, માંગરોળમાં 10.71 ઇંચ, આણંદમાં 10.67 ઇંચ, સુબીરમાં 10.24 ઇંચ અને ખંભાતમાં 10.16 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યના 13 તાલુકામાં 10 ઇંચથી વધુ અને 62 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. ભારે વરસાદને કારણે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 50થી વધુ લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી અને તમામ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા.
રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો કુલ વરસાદ 64.76 ટકા નોંધાયો છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં 91.35 ટકા, મધ્ય ગુજરાતમાં 62.16 ટકા, સૌરાષ્ટ્રમાં 48.81 ટકા, ઉત્તર ગુજરાતમાં 46.76 ટકા અને કચ્છમાં 20.67 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી વહીવટી તંત્ર સતત સતર્ક છે.









