સુરત શહેરમાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. વરાછા, ઉધના સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદને કારણે ઉધના રેલવે યાર્ડ અને લિંબાયતને જોડતું મહત્વપૂર્ણ ગરનાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ગરનાળામાં અંદાજે અઢી ફૂટ જેટલું પાણી ભરાતા તંત્રએ તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેથી કોઈ દુર્ઘટના સર્જાય નહીં.
ગરનાળું બંધ થતાં વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી, જેના કારણે શહેરના અન્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ પણ વધ્યું હતું. મનપાની ટીમો દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી હોવાથી તંત્ર એલર્ટ મોડ પર છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદી પાણીના નિકાલ અને શહેરી સુવિધાઓને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહે છે તેના પર સૌની નજર મંડાઈ છે.









