પશ્ચિમ કચ્છ LCBની મોટી કાર્યવાહી, પૈયા ગામેથી કથિત ગૌવંશ કતલખાનું ઝડપાયું

ભુજ તાલુકાના પૈયા ગામની સીમમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ બાતમીના આધારે દરોડો પાડી કથિત ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રણ આરોપીઓ ફરાર થઈ જતા તેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દરોડા દરમિયાન સ્થળ પરથી અંદાજે 100 કિલો શંકાસ્પદ માંસ, બોલેરો મેક્સી ટ્રક, ટ્રેક્ટર તેમજ હથિયારો મળી આવ્યા હતા. પોલીસે તમામ વસ્તુઓ કબજે કરી કુલ ₹5.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાથમિક તપાસમાં ગૌવંશની કતલ કરવામાં આવતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, જપ્ત કરાયેલા માંસના નમૂનાઓને વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવશે, જેના અહેવાલ બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિઓ અથવા ગેંગની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પશ્ચિમ કચ્છ LCB અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા અલગ-અલગ સ્થળોએ શોધખોળ કરવામાં આવી રહી છે.

આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Comment

Traffic Tail