બાલાજી ટ્રાવેલ્સની બસમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો; બસ સહિત રૂ.15.99 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ: ટ્રાવેલ્સ બસમાં મુસાફરોની આડમાં દારૂની હેરાફેરી કરતા ગેંગનો રાજકોટ પોલીસની એલસીબી ઝોન-1 ટીમે પર્દાફાશ કર્યો છે. બામણબોર ચેકપોસ્ટ નજીકથી શ્રી બાલાજી ટ્રાવેલ્સની બસમાં દરોડો પાડી અંગ્રેજી દારૂની 444 બોટલ સાથે રિસીવર સહિત પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે બસ, દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.15.99 લાખનો જથ્થો કબ્જે કર્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર બસને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બસમાં સંતાડીને લાવવામાં આવેલો દારૂનો જથ્થો મળી આવતા ચાર આરોપીઓ તથા દારૂનો જથ્થો સ્વીકારવા આવેલા રાજકોટના એક શખ્સને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ મધ્યપ્રદેશથી મુસાફરોની આડમાં નિયમિત રીતે દારૂની ખેપ રાજકોટ સુધી પહોંચાડતા હતા. પોલીસે એવી પણ માહિતી મેળવી છે કે આ પહેલાં પણ બે વખત આ જ મોડસ ઓપરેન્ડીથી દારૂની સપ્લાય કરવામાં આવી હતી.
ઝડપાયેલા તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દારૂની સપ્લાય ચેઇન, અન્ય સંડોવાયેલા શખ્સો અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પોલીસે તપાસનો વ્યાપ વિસ્તારી દીધો છે.









