બિરભૂમમાં મેગા દરોડો; નોટ ગણવાના પાંચ મશીનો થયા બંધ, પશુ તસ્કરી કેસ સાથે પણ જોડાણ
કોલકાતા: પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના દેવચા ગામમાં તપાસ એજન્સીઓએ એક પૂર્વ સરકારી બસ ડ્રાઇવરના નિવાસસ્થાને મેગા દરોડો પાડી કરોડોની કાળી સંપત્તિનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન રૂ.28 કરોડથી વધુની રોકડ રકમ અને 15 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ.50 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે.
તપાસ દરમિયાન ઘરમાંથી 35 કોથળામાં ભરેલી રોકડ, 14 એક કિલોની સોનાની બાર અને 100 ગ્રામના 10 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. રોકડ એટલી મોટી માત્રામાં હતી કે ગણતરી દરમિયાન નોટ ગણવાના પાંચ મશીનો પણ કામ કરવાનું બંધ કરી દીધું, જ્યારે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવા માટે લોખંડના પાંચ મોટા ટ્રંક મંગાવવા પડ્યા હતા.
આ સમગ્ર મામલે પોલીસે મીનાર મંડલ ઉર્ફે ટુલ્લુ મંડલ અને તેના પુત્રને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. મીનાર અગાઉ નોર્થ બંગાળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ ડ્રાઇવર હતો, પરંતુ નોકરી છોડ્યા બાદ પથ્થર અને રેતીના વ્યવસાયમાં પ્રવેશીને કરોડોની સંપત્તિ ઉભી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
તપાસ એજન્સીઓએ જણાવ્યું કે મીનાર મંડલનું નામ અગાઉ પશુ તસ્કરી કેસ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સામે આવી ચૂક્યું છે. હાલ કાળી કમાણીનો સ્ત્રોત, અન્ય સંપત્તિ અને સમગ્ર નેટવર્ક અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.









