DGP કમેન્ડેશન ડિસ્ક 110થી વધારી 148 કરાઈ, પ્રથમવાર સિવિલિયન સ્ટાફને પણ મળશે સન્માન
ગાંધીનગર: ગુજરાત પોલીસના કર્મચારીઓના ઉત્કૃષ્ટ યોગદાનને વધુ અસરકારક રીતે બિરદાવવા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે વાર્ષિક એવોર્ડ સિસ્ટમમાં વ્યાપક સુધારા જાહેર કર્યા છે. રાજ્યમાં પોલીસ દળના વિસ્તરણ અને વધતી જવાબદારીઓને ધ્યાનમાં રાખીને DGP કમેન્ડેશન ડિસ્કની સંખ્યા 110થી વધારી 148 કરવામાં આવી છે.
નવી વ્યવસ્થા હેઠળ હવે માત્ર ગુનાખોરી સામેની કામગીરી જ નહીં, પરંતુ ટ્રાફિક મેનેજમેન્ટ, વહીવટી કામગીરી, ચૂંટણી ફરજ, રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન તેમજ અન્ય નોંધપાત્ર સેવાઓને પણ એવોર્ડ માટે પાત્ર ગણવામાં આવશે. સાથે જ એવોર્ડ માટેની લઘુત્તમ સેવા મર્યાદા 7 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી છે.
આ સુધારામાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે પ્રથમ વખત પોલીસ વિભાગના સિવિલિયન સ્ટાફ માટે ‘DGP કમેન્ડેશન રોલ’ શરૂ કરવામાં આવ્યો છે. દર વર્ષે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, એકાઉન્ટન્ટ, સ્ટેનોગ્રાફર સહિતના 10 ઉત્કૃષ્ટ સિવિલિયન કર્મચારીઓને આ સન્માન આપવામાં આવશે.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, માઉન્ટેડ યુનિટ, આર્મરર અને પોલીસ બેન્ડ સહિતના વિશેષ યુનિટ્સના કર્મચારીઓને પણ હવે એવોર્ડ સિસ્ટમમાં સમાન સ્થાન આપવામાં આવ્યું છે.
દર વર્ષે 15 ડિસેમ્બરે, ગુજરાત પોલીસને મળેલા પ્રતિષ્ઠિત ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ દિવસની યાદમાં DGP કમેન્ડેશન ડિસ્ક અને DGP કમેન્ડેશન રોલનું વિતરણ કરવામાં આવશે.
DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું કે ગુજરાત પોલીસના દરેક અધિકારી, કર્મચારી અને સિવિલિયન સ્ટાફના શ્રેષ્ઠ યોગદાનને યોગ્ય ઓળખ અને સન્માન મળે તે માટે આ સુધારાઓ અમલમાં લાવવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર પોલીસ દળનું મનોબળ વધુ મજબૂત બનશે.









