નીટ પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી: 20 હજાર પાનાનું ચાર્જશીટ દાખલ, ત્રણ પેપર સેટર માસ્ટરમાઈન્ડ તરીકે નામજોગ

13 આરોપીઓ સામે ગંભીર પુરાવા રજૂ; દસ્તાવેજ અધૂરા હોવાથી 3 ઓગસ્ટે થશે સુનાવણી

નવી દિલ્હી: દેશવ્યાપી ચર્ચામાં રહેલા નીટ પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દિલ્હીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આશરે 20 હજાર પાનાનું ચાર્જશીટ દાખલ કર્યું છે. જોકે, ચાર્જશીટ સાથેના કેટલાક જરૂરી દસ્તાવેજો અધૂરા હોવાથી કોર્ટે કેસની આગામી સુનાવણી 3 ઓગસ્ટ નક્કી કરી છે.

CBIએ ચાર્જશીટમાં કુલ 13 આરોપીઓને નામજોગ કર્યા છે. તપાસ મુજબ બાયોલોજીના નિષ્ણાત મનીષા મંધારે, કેમિસ્ટ્રીના નિષ્ણાત પ્રહલાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી અને ફિઝિક્સના નિષ્ણાત મનીષા સંજય હવાલદાર સમગ્ર પેપર લીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

તપાસમાં ખુલ્યું છે કે મહારાષ્ટ્રના લાતુરમાં કોચિંગ સંસ્થા ચલાવતા શિવાજી રઘુનાથે પ્રશ્નપત્ર મેળવવા અને વેચવા માટેનું નેટવર્ક ઉભું કર્યું હતું. આરોપ મુજબ તેણે કેમિસ્ટ્રીના પ્રશ્નો લાખો રૂપિયામાં મેળવી અન્ય લોકો સુધી પહોંચાડ્યા હતા. પોતાના પુત્ર માટે પ્રશ્નપત્ર ખરીદનાર એક તબીબ અને અન્ય વચેટિયાઓની સંડોવણી પણ તપાસમાં સામે આવી છે.

CBIના દાવા મુજબ પરીક્ષા પહેલાં જ 111 પ્રશ્નો અને તેમના જવાબો ગેરકાયદેસર રીતે બહાર પહોંચાડવામાં આવ્યા હતા. વાયરલ થયેલી PDF અને મૂળ પ્રશ્નપત્ર વચ્ચે સમાનતા મળ્યા બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ નીટ પરીક્ષા યોજાઈ હતી, જ્યારે 7 મેએ પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપો સામે આવ્યા હતા. CBI હજુ પણ સમગ્ર નેટવર્કની કડીઓ શોધવામાં વ્યસ્ત છે અને તપાસ દરમિયાન વધુ નામો સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail