ટ્રાફિક નિયમોનું પાલન ફરજિયાત; દ્વિચક્રી વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ પર શાળાઓ રાખશે નજર
અમદાવાદ: વિદ્યાર્થીઓની માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપતાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ તમામ શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે હેલ્મેટ અને માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વગર દ્વિચક્રી વાહન લઈને આવતા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
આ આદેશ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે ફરજિયાત રહેશે. શાળા સંચાલકોને દરરોજ શાળાના પ્રવેશદ્વારે વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, સગીર વયે વાહન ચલાવવાની વધતી ઘટનાઓ અને માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમોનો ભંગ કરનાર વિદ્યાર્થીઓ સામે જરૂરી કાર્યવાહી કરવા તેમજ વાલીઓને પણ જવાબદાર બનાવવા સૂચના આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓમાં ટ્રાફિક શિસ્ત અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી શાળાઓમાં વિશેષ અભિયાન પણ હાથ ધરવામાં આવશે.









