નંજયાંગ પાસે ભેખડો ધસી પડતાં યાત્રા માર્ગ ઠપ્પ; 20 સરહદી ગામો સંપર્કવિહોણા, એક લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
દેહરાદૂન: ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા ભારે વરસાદે ફરી એકવાર જનજીવનને પ્રભાવિત કર્યું છે. ધારચૂલા-લિપુલેખ કૈલાસ માનસરોવર યાત્રા માર્ગ નંજયાંગ નજીક ભૂસ્ખલનને કારણે સંપૂર્ણ બંધ થઈ જતાં યાત્રા અસ્થાયી રીતે અટકી ગઈ છે. તવાઘાટથી લિપુલેખ સુધીનો માર્ગ મંગળવારે આખો દિવસ વાહનવ્યવહાર માટે બંધ રહ્યો હતો.
સોમવાર રાત્રિથી વરસાદના કારણે બંધ થયેલો ટનકપુર-તવાઘાટ નેશનલ હાઈવે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા ફરી શરૂ કરવામાં આવ્યો છે. જોકે, ગર્બાધાર અને નંજયાંગ વિસ્તારમાં ભેખડો ધસી પડતાં કૈલાસ માનસરોવર યાત્રા માર્ગ હજુ પણ અવરોધિત છે.
બીજી તરફ મુનસ્યારી-મિલમ માર્ગ પણ બાંગડિયાર વિસ્તારમાં સતત બીજા દિવસે બંધ રહ્યો હતો. પરિણામે 20થી વધુ ઉચ્ચ હિમાલયી સરહદી ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જ્યારે જિલ્લામાં 16 ગ્રામ્ય માર્ગો બંધ રહેતાં એક લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે.
વરસાદ બાદ અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવતાં વહીવટી તંત્ર અને BROની ટીમો માર્ગો ફરી શરૂ કરવા સતત કામગીરી કરી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતાં સ્થાનિકો અને યાત્રાળુઓને સાવચેતી રાખવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.









