MRM પોર્ટલ દ્વારા 1,915 રિક્વેસ્ટ પ્રક્રિયા પૂર્ણ; સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકોને મળી મોટી રાહત
સુરત: સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ઠગાઈના ભોગ બનેલા નાગરિકોને ન્યાય અપાવવા નોંધપાત્ર સફળતા મેળવી છે. વિશેષ અભિયાન હેઠળ માત્ર 24 કલાકમાં 1,067 પીડિતોને કુલ ₹1.26 કરોડની ફ્રીઝ કરાયેલી રકમ પરત અપાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં વિશેષ ડ્રાઇવ યોજાઈ હતી. તમામ ઝોનના પોલીસ અધિકારીઓ અને સાયબર ક્રાઇમ સ્ટાફને Money Restoration Module (MRM) અંગે તાલીમ આપીને પીડિતો સુધી પહોંચવાની કામગીરી કરવામાં આવી હતી.
આ અભિયાન દરમિયાન પોલીસ ટીમોએ સાયબર ઠગાઈના ભોગ બનેલા લોકોને સીધો સંપર્ક કરી MRM પોર્ટલ પર કુલ 1,915 ઓનલાઈન રિક્વેસ્ટ નોંધાવવામાં મદદ કરી હતી. તેના પરિણામે ₹1.26 કરોડની રકમ પરત મેળવવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી, જે પીડિતો માટે મોટી રાહત સાબિત થઈ છે.
પોલીસે જણાવ્યું છે કે National Cyber Crime Reporting Portal (NCRP) પર ફરિયાદ નોંધાવનાર અને જેમના નાણા ફ્રીઝ થયેલા હોય તેવા પીડિતો MRM પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી દરમિયાન કોઈ મુશ્કેલી થાય તો નજીકના પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકાય છે.









