મોરબીમાં મેઘરાજાની મહેર: મચ્છુ-2 ઓવરફ્લો, મચ્છુ-3 અને ઘોડાધ્રોઈ ડેમના દરવાજા પણ ખોલાયા

24 કલાકના વરસાદે જળાશયો છલકાવ્યા; હજારો ક્યુસેક પાણી છોડાતા 29 સહિત અનેક ગામોને એલર્ટ

મોરબી: જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ધોધમાર વરસાદે જળાશયોમાં નવા નીરની ધોધમાર આવક કરાવી છે. મોરબી અને માળિયાની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમ સંપૂર્ણ ક્ષમતાએ ભરાઈ જતાં શનિવારે સવારે ઓવરફ્લો થયો હતો. સિંચાઈ વિભાગે ડેમના ચાર દરવાજા 7 ફૂટ સુધી ખોલી 18,578 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવાનું શરૂ કર્યું છે.

પાણી છોડતા પહેલાં મોરબી શહેર સહિત મોરબી અને માળિયા તાલુકાના 29 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, નદીના પટમાં પ્રવેશ ન કરવા અને માલધારીઓને પશુઓ સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે.

માત્ર એક જ દિવસમાં ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમમાં આશરે 60 ટકા જેટલો નવો જળજથ્થો ઉમેરાતા ડેમ તેની 3104 એમસીએફટીની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા સુધી પહોંચી ગયો છે.

જિલ્લાનો મચ્છુ-3 ડેમ પણ 100 ટકા ભરાઈ જતાં તેના બે દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત જિકિયારી નજીક આવેલ ઘોડાધ્રોઈ ડેમ પણ ઓવરફ્લો થતાં તેના બે દરવાજા 3 ફૂટ સુધી ખોલી 7,182 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બંને ડેમમાંથી પાણી છોડતા પહેલાં મોરબી અને માળિયા તાલુકાના અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

જિલ્લામાં સતત વરસાદ અને જળાશયોમાં વધી રહેલી આવકને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને નદી-નાળાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail